ઇંધણના દરમાં સતત થતા વધારા અને અનેક રાજ્યોમાં ગાંડાતૂર વરસાદને પગલે શાકભાજીની આવક ઘટવાથી ભાવ બેફામ વધવા માંડયા છે. કેટલાય શાકના ભાવ જથ્થાબંધ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. એટલે છૂટકમાં તો કેટલાય શાકનો કિલોનો ભાવ 120 થી 160 સુધી પહોંચ્યો છે. શ્રાવણમાં શાકાહાર કરનારા પણ વધ્યા હોવાથી શાકની જબરજસ્ત માંગ છે. એટલે છુટક વેપારીઓ પણ બેફામ નફો પડાવે છે.
નવી મુંબઇની એપીએમસીની જથ્થાબંધ માર્કેટમાં અગાઉ રોજ દોઢ-બે હજાર ટ્રક ભરીને શાક આવતું, તેને બદલે સંખ્યા ઘટીને 500 થઇ ગઇ છે. જથ્થાબંધ બજારમાં ટીંડલી અને વટાણા ભાવ 100 રૂપિયા થઇ ગયો છે. એટલે શહેર અન પરાંની છુટક માર્કેટોમાં તો આ શાક 120 થી 160 રૂપિયાની આસપાસ વેંચાય છે. આવી જ રીતે ભિંડા, ચોળી, ગુવારના ભાવ પણ સેન્ચુરી વટાવી ગયા છે.
મોટા ભાગના શાકની કિંમત વધી રહી છે ત્યારે બીજી તરફ ફ્લાવર, કોળી, ભોપલા અને ટમેટાની કિંમત એપીએમસી માર્કેટમાં ૧૮થી ૨૨ રૂપિયે કિલો છે. ગયા વર્ષની સરખામણીએ શાકભાજીની આવક ઘટવાથી તેમજ ઇંધણના દરવધારાને પગલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધ્યો હોવાથી શાકભાજીની કિંમત પણ વધી હોવાનું વેપારીઓનું કહેવું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500