જુહુ બીચ પર સ્વિમિંગ કરવા ગયેલા ત્રણ યુવકોનાં મૃતદેહ મળી આવ્યા હતા અને આ કરૂણ અકસ્માત બાદ વાશી નાકા અમન આશિયાનાં સોસાયટીમાં શોકનો માહોલ છે અને મૃતકોમાં બે સગા ભાઈઓ છે. જોકે મંગળવારે સવારે 4 વાગ્યે ચાર યુવકો જુહુ ચોપાટી પર ફરવા ગયા હતા, જ્યાં લાઈફ ગાર્ડે ના પાડયા પછી પણ તેઓ ઊંડા પાણીમાં ન્હાવા માટે ગયા હતા. બચી ગયેલા યુવકે ત્યાં તૈનાત લોકોને યુવકોના ડૂબવાની જાણ કરી, ત્યારબાદ ફાયર બ્રિગેડ અને નેવીએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને રાત્રે અંધારું થતાં બચાવ કામગીરી બંધ કરવામાં આવી હતી.
પરંતુ બુધવારે સવારે ત્રણેને કાઢીને કૂપર હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ડોકટરોએ તેમને મૃત ઘોષિત કર્યા. જેમાં મૃતકોમાં કૌસ્તુભ ગણેશ ગુપ્તા (ઉ.વ.18), પ્રવેશ ગણેશ ગુપ્તા (ઉ.વ.16) અને અમન સિંહ (ઉ.વ.21)નું કૂપર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ મહાપાલિકાએ સમુદ્ર કિનારે પર્યટકોની સુરક્ષા માટે લાઈફ ગાર્ડ તૈનાત કર્યા છે. પણ કિનારે તૈનાત લાઈફ ગાર્ડની એટલી ક્ષમતા નથી કે ઊંડા પાણીમાં કોઈ ડૂબતા હોય તો તેમને બચાવી શકે.
અગાઉ ત્રણ સ્પીડ બોટ દરિયા કિનારે પર્યટકોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી હતી પણ આ સ્પીડ બોટનું સંચાલન અને જાળવણી કરવામાં મહાપાલિકા નિષ્ફળ નીવડી. ચોમાસા દરમ્યાન સમુદ્ર કિનારે આવા અકસ્માત વારંવાર બને છે. પણ તેનો સામનો કરવા માટે પાલિકા પાસે કોઈ યોજના અથવા તૈયારી નથી. ગોવાના સમુદ્રી કિનારે સ્પીડ બોટ તૈનાત કરવામાં આવી છે જે ઊંડા પાણીમાં ડૂબતા લોકોને બચાવવા સક્ષમ હોય છે. પણ એશિયાની સૌથી મોટી મહાપાલિકા શહેરીજનોની સુરક્ષા બાબતે અત્યંત લાપરવાહી વર્તી રહી છે.
પાલિકા લાઈફ ગાર્ડ પાછળ કરોડોનો ખર્ચ કરે છે પણ પાણીમાં ડૂબનારને લાઈફ ગાર્ડ બચાવી ન શકે તો આવી સુરક્ષા શું કામની એવા સવાલ ઉઠી રહ્યા છે. નજરે જોનાર સાક્ષીઓના જણાવ્યા અનુસાર યુવકોને ડૂબતા જોઈને ફોટોગ્રાફરો ચીસો પાડી રહ્યા હતા. લાઈફ ગાર્ડ પાણીમાં ઉતર્યા પણ ખરા પણ યુવકો ઊંડા પાણીમાં વહી ગયા હોવાથી તેઓ પહોંચી ન શકયા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500