મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે હવાલાથી ચાલતા મોબાઈલ ફોન રેકેટનો પર્દાફાશ કરી 480 હાઈ એન્ડ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા. જોકે આરોપીઓ લોકલ ચોરો પાસેથી આ મોબાઈલ મેળવી તેના IMI નંબર બદલી તેને ભારત સહિત નેપાલ અને બાંગ્લાદેશમાં વેચી નાંખતા. આ કેસમાં આરોપીઓને પૈસાની ચૂકવણી હવાલા નેટવર્કથી કરવામાં આવતી હતી.
આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે આસીફ ઈદ્રીસી (ઉ.વ.25) નામના એક આરોપીની ઉત્તર પ્રદેશના જહાંગીરાબાદથી ધરપકડ કરી હતી. જોકે તેના પહેલાં પોલીસે 15 જુલાઈનાં મુંબઈનાં માનખુર્દના મહારાષ્ટ્રનગર વિસ્તારમાથી આ ગેંગના સભ્ય એવા મહેબૂબ ઉર્ફે લાલુ બદરુદ્દીન ખાન (ઉ.વ.37) અને ફૈયાઝ શેખ (ઉ.વ.31)ની ધરપકડ કરી હતી.
જયારે પોલીસે આ લોકો પાસેથી 480 મોબાઈલ હેન્ડસેટ સાથે 9.5 કિલો ગાંજો, 174 વિદેશી દારૂની બોટલો, બે તલવાર અને એક લેપટોપ પણ જપ્ત કરી કુલ રૂપિયા 75 લાખ જેટલી થતી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વધુમાં પોલીસે પકડેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ગેંગ શહેરમાં મોબાઈલની ચોરી કરતા ચોરટાઓ તેમજ દક્ષિણ મુંબઈનાં ચોરબઝારનાં અમુક લોકો પાસેથી ચોરાયેલા મોબાઈલ લેતા અને તેના IMI નંબર બદલી નાંખીને આ મોબાઈલ ભારતના વિવિધ શહેરો ઉપરાંત નેપાળ અને બાંગ્લાદેશમાં વેચી નાંખતા.
આ દેશોમાંથી આ મોબાઈલ ફોનની ચૂકવણી હવાલા મારફતે કરવામાં આવતી હતી. આ એક મોટું રેકેટ હોવાની અને આરોપીઓએ મોબાઈલ અન્ય દેશોમાં પણ વેચ્યા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500