હવામાન વિભાગે એવી ચિંતાજનક જાહેરાત કરી છે કે, દેશમાં ૨૦૨૪નો ઓક્ટોબર છેલ્લાં ૧૨૩ વર્ષનો સૌથી ઉનો અને અકળાવાનારો રહ્યો છે. એટલે ભારતમાં નવેમ્બરમાં પણ કદાચ ઠંડીનો ગમતીલો અનુભવ થવાની શક્યતા ઓછી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરએ એવી માહિતી આપી છે કે, પેસિફિક મહાસાગરના પ્રવાહોમાં અલ-નીનો (પેસિફિક મહાસાગરના ગરમ પ્રવાહોને અલ--નીનો, જ્યારે ઠંડા પ્રવાહોને લા--નીના કહેવાય છે)ની અસરને કારણે ભારતમાં શિયાળાની મોસમના આગમનમાં કદાચ વિલંબ થાય તેવા સંકેત મળે છે. લા--નીના પ્રવાહોની અસર જોકે આવતા ડિસેમ્બર બાદ તબક્કાવાર અનુભવવા મળે તેવી પણ શક્યતા છે. ભારતમાં ૧૯૦૧ બાદ ૨૦૨૪નો ઓક્ટોબર સૌથી હોટ રહ્યો છે. સરળ રીતે સમજીએ તો આ વર્ષના ઓક્ટોબરમાં સરેરાશ તાપમાન ૨૬.૯૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.આ સરેરાશ તાપમાન સામાન્ય તાપમાન કરતાં ૧.૨૩ ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી વધુ છે. આ કુદરતી પરિબળોની અસરને કારણે ૨૦૨૪નાં નવેમ્બરમાં ભારતીયો કદાચ ગમતીલા ઠંડા શિયાળાનો આનંદ નહીં માણી શકે તેવી સંભાવના છે.
ઉપરાંત, ભારતમાં ૧૯૭૦ બાદ આ બીજો ગરમ--ઉનો તબક્કો છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ચક્ર શરૂ નહીં થયું હોવાથી, પૂર્વના પવનો ફૂંકાતા હોવાથી, બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણનું કેન્દ્ર(લો--પ્રેશર) વગેરે પરિબળોની વ્યાપક અસરથી હાલ ભારતમાં ઉનાળા જેવા હોટ હોટ માહોલની અસરનો અનુભવ થઇ રહ્યો છે. અગાઉ વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગેનાઇઝેશન (વિશ્વ હવામાન સંગઠન) સહિત યુરોપિયન યુનિયન ક્લાઇમેટ એજન્સી કોપરનીકસના વિજ્ઞાાનીઓએ ગંભીર ચેતવણી આપી છે કે ૨૦૨૪નો ફેબુ્રઆરી મહિનો ભારત સહિત સમગ્ર વિશ્વ માટે અતિ ગરમ અને ઉકળતો રહ્યો છે. ૨૦૨૪નાં ફેબુ્રઆરીમાં એવરેજ ગ્લોબલ સરફેસ એર ટેમ્પરેચર (જમીન પર વહેતી હવાનું સરેરાશ તાપમાન) ૧૩.૫૪ સેલ્સિયસ ડિગ્રી(૫૬.૪ ફેહરનહઇટ) રહ્યું હતું. આ સરફેસ એર ટેમ્પરેચર ૧૯ મી સદીની ઔદ્યોગિ ક્રાંતિ બાદના ફેબુ્રઆરીના સરેરાશ સરફેસ એર તાપમાન કરતાં ૧.૭૭ સેલ્સિયસ ડિગ્રી વધુ નોંધાયું છે. ચિંતાજનક ફેરફાર તો એ થયો છે કે ૨૦૨૩-૨૪ના છેલ્લા નવ મહિના દરમિયાન પૃથ્વીનો વિરાટ ગોળો ગરમ રહ્યો છે. આટલું જ નહીં, સમગ્ર વિશ્વના મહાસાગરોની અને સમુદ્રોની સપાટીનું તાપમાન પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગેનાઇઝેશન (વિશ્વ હવામાન સંગઠન) સહિત યુરોપિયન યુનિયન ક્લાઇમેટ એજન્સી કોપરનીકસના વિજ્ઞાનીઓએ આવી ગંભીર ચેતવણી આપી છે. વિશ્વ હવામાન સંગઠને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ૨૦૨૪માં પૃથ્વીના ઉત્તર ગોળાર્ધનો શિયાળો હોટ, જ્યારે દક્ષિણ ગોળાર્ધનો ઉનાળો અતિ આકરો રહ્યો છે. સૂર્યની ઉત્તરાયણની અને દક્ષિણાયનની કુદરતી ગતિવિધિ મુજબ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય ત્યારે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય. ફેબુ્રઆરીમાં તો આખા યુરોપમાં,ઉત્તર -દક્ષિણ અમેરિકા, આફ્રિકાના વાયવ્ય-અગ્નિ હિસ્સા, અગ્નિ એશિયા, ઓસ્ટ્રેલિયાનો પશ્ચિમ હિસ્સો વગેરેમાં ભારે અકળાવનારી ગરમીનો અનુભવ થયો છે. બ્રિટનની બર્કલી યુનિવર્સિટીના અર્થ સાયન્ટિસ્ટ ઝેક હોસફાધર અને તેમની ટીમે કરેલા અભ્યાસની વિગતો દ્વારા જાણવા મળે છે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૨૦૨૪ના ફેબુ્રઆરી મહિનામાં મહત્તમ તાપમાનનો પારો વધુ ઉંચો નોંધાયો છે. ૨૦૨૪નો જાન્યુઆરી પણ ગરમ રહ્યો છે. વળી,૨૦૨૩ના મે થી નવેમ્બર સુધીના નવ મહિનામાં પણ સરેરાશ તાપમાન ઉચું રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500