તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના મોરદેવી ગામે ખાતે પુર્ણા નદીના કિનારે તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પૂરની સ્થિતિ સંબંધિત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન જિલ્લામાં પુરની સ્થિતીમાં લોકોના તણાઈ જવાની બનતી ઘટનાઓમાં તાકિદે લેવાના થતા પગલાઓ અંગે મોકડ્રીલ કરવામાં આવી હતી.
વાલોડ તાલુકાના મોરદેવી ગામે ખાતે પુર્ણા નદીમાં એક વ્યક્તિ તણાઇ જતો માલુમ પડતા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે તાલુકા કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા, આપદામિત્ર અને રેસ્ક્યુ ટીમ સમયસુચક્તા વાપરી વ્યક્તિને પુરમાં તણાઇ જતો બચાવ્યો હતો. સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપી વિના વિલંબે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી આરોગ્યની ટીમ દ્વારા યોગ્ય સારવાર આપી વ્યક્તિને નજીકના દવાખાને પહોચાડવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો.
ઘટના સ્થળે ઉપસ્થિત વાલોડ મામલતદાર દ્વારા ગંભીર પરિસ્થિતિમાં તમામ વિભાગો સાથે સંકલન કરી સમય વેડફ્યા વિના રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોના બચાવની કામગીરી અંગે ઉંડાણપૂર્વક સલાહ સુચનો અને તાકીદે લેવાના થતા પગલા અંગે વિગતવાર સમજુતી આપી ઉપસ્થિત ટીમની કામગીરીની સરાહના કરી હતી. આ મોક્ડ્રીલમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ સ્થાનિક ગામના આગેવાનો, સરપંચ, તલાટી, સ્થાનિક તરવૈયા, નગરપાલિકા ફાયર વિભાગ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500