નર્મદાનાં સાગબારા તાલુકાનાં દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાના મંદિરે મહાશિવરાત્રીનો ભવ્ય મેળો ભરાય છે. જોકે તારીખ 18 ફેબ્રુઆરીથી 22મી સુધી આ મેળો ભરાવાનો છે અને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે, એક માત્ર નેપાળી શૈલીના આ પ્રાચિન મંદિરે આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતા આ મંદિરે મહાશિવરાત્રીથી પાંચ દિવસ સુધી મેળો ભરાશે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ત્રણ રાજ્યોનાં શ્રધ્ધાળુઓ ઉમટશે. આદિવાસી લોક સંસ્કૃતિના અનોખા દર્શન કરાવતો નર્મદાનો સૌથી મોટો મેળો ગણાય છે. સામાન્ય રીતે મહાશિવરાત્રીને સમગ્ર દેશમાં શિવની પૂજા થાય છે.
જયારે એકમાત્ર દેવમોગરામાં મહાશિવરાત્રીએ આદિવાસીઓ શકિતની પૂજા કરે છે, જોકે શિવ કે શિવરાત્રી સાથે કોઈ સંબંધ નથી છતાં આ મેળો મહાશિવરાત્રીમાં ભરાય છે. આ ધાર્મિક સ્થળ માટે એમ કહેવાય છે કે, પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન આ સ્થળે આવીને વસ્યા હતા. નેપાળના પશુ પતિનાથ શૈલીનું એક માત્ર મંદિર દેવમોગરા ખાતે આવેલા છે. ત્યારે આ ધાર્મિક સ્થળનું મહત્વ વધી ગયુ છે. બે હજાર ફૂટની ઉંચાઇએ સાતપૂડાની રય ગીરીમાળામાં આવેલા આ મેળામાં પગપાળા સંઘ દ્વારા બળદ ગાડામાં વાહનો દ્વારા લાખોની સંખ્યામાં આદિવાસીઓ પોતાની બાધા આખડી માનતા પૂરી કરવા આવે છે.
પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સ્ત્રીઓ આ ગવી શૈલીના અલંકારો સજીધજીને આદિવાસી સંસ્કૃતિને જીવંત કરે છે. અહી શ્રધ્ધાળુઓ પૂજાપામાં ધનધાન્ય મદીરા તેમજ પશુ પક્ષીઓ ચઢાવે છે, આદિવાસીઓની બાધા માનવા કાપડના ટુકડાથી ટોપલી બાંધીને શ્રધ્ધા પૂર્વક માથે મૂકીને કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. દેવમોગરા મંદિરે પહેલી ધારનો દેશી દારૂ ચઢાવવાનો અનોખો રિવાજ ૫ણ છે. આદિવાસીઓ બોટલમાં પહેલી ધારનો દેશી દારૂ પાંડોરી માતાને નૈવૈધ તરીકે ધરાવે છે. એટલુ જ નહીં ખેતીનો પહેલો પાક નવું ધાન્ય ચઢાવવાનો પણ રિવાજ છે. જયારે ટોપલીમાનું ધાન્ય લઈને લોકો આવે છે અને માતાજીને અર્પણ કરે છે. ઉપરાંત બકરા, મરધા જીવતા રમતા મૂકવાનો પણ રિવાજ છે, પહેલા બકરા અને મરધાનો બલી ચઢાવાનો રિવાજ પણ હતો, પરંતુ આ પ્રથા બંધ થઈ ગઈ છે, આદિવાસીઓ પશુઓને રમતા મૂકી પોતાની માનતા પૂરી કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500