ભરૂચ જિલ્લાનાં ઝઘડિયામાં હૈયું હચમચાવી સામી આવી છે. જેમાં એક નરાધમ હવસખોરે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી માસુમ બાળકીના ગુપ્તાંત અને શરીર પર ઇજાઓ પહોંચાડી છે. હવસખોરે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. માસુમ બાળકીને ગંભીર ઇજા પહોંચતાં તેને અંકશ્વલેર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે. સોમવારે સાડા પાંચ વાગ્યે આશરે 10થી 12 વર્ષની બાળકીની માતા મજૂરી પરથી તેની કોલોનીમાં આવી હતી. તે સમયે આશરે બાળકી ઘરે હાજર ન હતી. જેથી તેણે તેના બીજા બાળકોને તેની મોટી બહેન વિશે પૂછતાં જણાવ્યું કે તે લોખંડ વિણવા ગઇ છે.
ત્યારબાદ આશરે 6:30 વાગ્યે બાળકીની માતા તેનું ઘરકામ કરતી હતી. અચાનક તેની મોટી પુત્રીનો અવાજ સાંભળતાં માતા જોવા ગઇ હતી. તે સમયે સગીર પુત્રી દીવાલની પાછળ બેસી રહી હતી. જે બાદ એક ભાઇની મદદથી બાળકીને ઉંચકી દીવાલ પર થઇ કોલોની તરફ લાવ્યા હતા. તે સમયે બાળકીને મોઢાના ભાગે ઇજા થયેલી હોવાથી લોહી નીકળતું હતું. શરીર પર ઉજરડાના નિશાન જોવા મળ્યા હતા. જ્યારે બાળકીના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળતું હોવાથી ખુબ ગભરાઇ ગઇ હતી. આ બાબતે બાળકીની માતાઅએ તેના પિતાને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત થયેલી બાળકીને દવાખાને લઇ જવા માટે રિક્ષામાં બેસાડી દવાખાને લઇ ગયા હતા. જ્યાંથી ડોક્ટરે વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. આ દરમિયાન બાળકીની માતાએ સમગ્ર ઘટના બાબતે પૂછતાં બાળકીએ જણાવ્યુ કે હું કોલોનીના રૂમમાં રમતી હતી તે સમયે એક માણસે આવી મને મોઢા પર પથ્થર મારી ઉપાડી જઇ બળાત્કાર ગુજાર્યો હતો.
આ બનાવ બાબતે પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. તે બાદ પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડવા ટીમ બનાવી હતી. બાળકીનું અપહરણ કરી હુમલે કરી ઇજા પહોચાડી બળાત્કાર ગુજારનાર આરોપી વિજયકુમાર રામાશંકર પાસવાન (મૂળ.રહે.ઝારખંડ)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ સહિત કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે દુષ્કર્મ આચર્યાના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. હવસખોર આરોપી બીજું કોઇ નહી પરંતુ પડોશી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે તેને ઝડપી પાડી કડક પૂછપરછ કરતાં તે ભાગી પડ્યો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે તેના વિરૂદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500