સુરત જિલ્લનાં માંડવી તાલુકાનાં સાદડી ગામે રહેતી યુવતીને પી.ટી. ટીચર તરીકે નોકરી લગાવવાની લાલચ આપી એક ઈસમે તેની પાસેથી રૂપિયા ૨.૫૫ લાખ અને અન્ય એક યુવતીને ક્રિકેટ ટીમમાં પસંદગી કરાવવાનાં બહાને ૧.૩૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે પોલીસે રૂપિયા પડાવનાર યુવક સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાનાં સાદડી ગામે રહેતી શ્રદ્ધાકુમારી સુરેશભાઈ ચૌધરીએ બી.એ., એમ.પી.એડ. સુધીનો અભ્યાસ કર્યા બાદ કામરેજ અને કીમની શાળામાં થોડો સમય નોકરી કરી હતી. પરંતુ સમયસર પગાર મળતો ન હોવાથી હાલ તેણી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. ઓક્ટોબર ૨૦૨૧માં પાર્થ ચૌધરી નામના યુવક સાથે તેની ફેસબુક પર મિત્રતા થઈ હતી. તેમની વચ્ચે મેસેજથી વાતચીત થતી હતી. અને તે માંડવીનાં રતનિયા ગામનો જ વતની હોવાનું તેમજ તેની માતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર અને પિતા ક્લાસવન અધિકારી હોવાનું જણાવ્યું હતું. તેના પર વિશ્વાસ મૂકી શ્રદ્ધાએ નોકરી અંગે વાત કરતાં આ પાર્થ ચૌધરી નામના ઈસમે તેના મિત્રની શાળામાં જગ્યા ખાલી છે અને તે માટે એક લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવી તેણે તૂટક તૂટક ૧ લાખ રૂપિયા લીધા હતા.
ત્યારબાદ સંચાલકો એક લાખમાં માનતા નથી બીજા ૯૦ હજાર આપવા પડશે એમ જણાવી કુલ ૧.૯૦ લાખ પડાવ્યા બાદ પાર્થ ચૌધરીના કહેવાથી શ્રદ્ધાએ જયનાબેન મગનભાઈ વસાવાના મોબાઈલ પર ૬૫,૨૦૧ રૂપિયા નાંખ્યા હતા. આમ, કુલ રૂપિયા ૨,૫૫,૨૦૧ આપવા છતાં જોઇનિંગ લેટર ન આવતા રૂપિયા પરત માંગ્યા હતા. જે પાર્થે આપ્યા ન હતા. આ ઉપરાંત પાર્થ દ્વારા માંડવી તાલુકાનાં તરસાડાખુર્દ ગામની ક્રિષ્નાબેન પ્રતીકભાઈ ચૌધરીને પણ ક્રિકેટમાં સિલેક્શન કરવાના નામે ૧.૩૦ લાખ પડાવ્યા હતા. તેમજ અન્ય વ્યક્તિઓની સાથે પણ આ રીતે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. આથી શ્રદ્ધાએ પ્રવીણ ઉર્ફે પાર્થ રામસિંગ ચૌધરી (રહે.૧૬૮૫, બાલાજી, ગાંધીનગર, પ્રિયંકા-૧ ડિંડોલી, સુરત) વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500