Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડિયા વિસ્તારમાં બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનામાં બાળકીનું આઠ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું

  • December 24, 2024 

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ બાળકીનું આઠ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું છે. બાળકીને બે દિવસમાં ત્રણ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું, તેમ છતાં ગુજરાતની નિર્ભયાએ આખરે જીવ છોડી દીધો છે. GIDCમાં આવેલી શ્રમજીવી વસાહતમાં 16 ડિસેમ્બરે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી. પડોશમાં રહેતા જ ઝારખંડના આરોપી વિજય પાસવાને કુમળી બાળકીને પીંખી નાખી હતી. દુષ્કર્મ પહેલા વિજય પાસવાને બાળકીના મોઢા ઉપર પથ્થરથી વાર કરીને લોહી લુહાણ કરી નાખી હતી અને પીડિતાના ગુપ્તાંગમાં સળીયો નાખીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.


સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, 'બાળકી પર બપોરે બે વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો, તેની હાલત ગંભીર થઈ ગઈ હતી. પરંતુ અમારી ટીમે સારવાર આપ્યા બાદ તે સ્ટેબલ થઈ હતી. પરંતુ બાદમાં ફરીથી સાંજે   5:15 એ બીજીવાર કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. ડોક્ટરોની ટીમે તમામ પ્રયાસ કર્યા પરંતુ અંદાજે સાંજે 6:15 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બાળકીના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું ઓર્ગન ફેલ થઈ જવાથી તેને કાર્ડિયાક અટેક આવ્યા હતા. હવે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાશે'. આ કેસમાં નરાધમ આરોપી વિજય પાસવાન હાલ જેલના સળીયા પાછળ છે. પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી, ત્યારબાદ 18 ડિસેમ્બરે હવસખોર આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.


જેમાં તેણે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવ્યું હતું. પોલીસ જ્યારે આરોપીને લઈને લોકઅપની બહાર આવી ત્યારે આરોપીના ચાલવાના પણ ઠેકાણા નહોતા. તારીખ 16 ડિસેમ્બરે મંગળવારે ભરૂચના ઝઘડિયામાં પરપ્રાંતિય શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકીનું આરોપી વિજય પાસવાને અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું. આ નિર્ભયા જેવા કાંડથી રાજ્યભરમાં ચકચાર મચી હતી. નરાધમે બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નિર્ભયા કેસ જેવી વિકૃતિ આરોપીએ પીડિતા સાથે આચરી હતી. સમગ્ર ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ભરૂચ સિવિલ લઈ ગયા હતા. જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


આરોપી અને પીડિતા બન્ને મૂળ ઝારખંડના વતની હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી ક્રૂરતાની હદ વટાવી હતી. જેના લીધે બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ નરાધમે એક મહિના અગાઉ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે, સમાજમાં આબરૂ જવાની બીકે મા-બાપે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી, જેના લીધે આરોપીની હિંમત વધી અને બીજીવાર બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. કેસની ગંભીરતા જોતાં તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application