સુરત જિલ્લાનાં બારડોલી નગરનાં અલગ અલગ વિસ્તારમાં બાઈક ઉપર આવેલ બે શખ્સો ચેઈન સ્નેચિંગ ચોરી નાસી ગયા હતા. આ સ્નેચિંગ સુરતનાં ડિંડોલીના સોપાનદેવ ઉર્ફે સાગર પાટિલે તેના સાગરીતો સાથે મળી કરી છે. સોપાનદેવ તેના ત્રણ સાગરીતો સાથે એક નંબર વગરની યુનિકોન બાઈક તથા એક નંબર વગરની હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ ઉપર બેસી સ્નેચિંગ કરેલી સોનાના ચેઈનો લઈ અંકલેશ્વર તરફ વેચાણ કરવા માટે જઈ રહ્યા છે.
તેઓ મોતા હલધરુ જતા રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હોવાની બાતમી મળતા જિલ્લા તથા બારડોલી ટાઉન પોલીસની ટીમે હલધરુ રોડ ઉપર નાકાબંધી કરી બે બાઈક ઉપર ચાર આરોપીઓને સ્નેચિંગ કરી ચોરી કરેલી સોનાની ચેઈન તથા ઘાતક ચપ્પુ જેવા હથિયાર સાથે દબોચી લીધા હતા. આ ગુનેગારોએ બારડોલીમાં અલગ-અલગ વિસ્તારોમાં પાંચ વ્યક્તિઓની ચેઈન સ્નેચિંગ કર્યાનું ખૂલ્યું હતું. આ ગુનેગારોએ કડોદરા વિસ્તારમાંથી યુનિકોન મોટરસાઈકલ અને સુરતના કતારગામ વિસ્તારમાંથી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ ચોરી કર્યાનું જણાયું હતું.
પોલીસે આરોપી સોપાનદેવ ઉર્ફે સાગર સખારામ પાટિલ (ઉ.વ. ૩૦, રહે. સંક રેસિડેન્સી, મકાન નં.૪૦૭, લાવર ગાર્ડન, ડિંડોલી, સુરત શહેર, મૂળ રહે.સબગાવન, તા.અમલનેર, જિ.જલગાંવ, મહારાષ્ટ્ર), યોગેશ ઉર્ફે યોગા આયર છગનભાઈ કલસરીયા (ઉ.વ.૩૪, રહે.હરિધામ સોસાયટી, ઘર નં.૬૭, અર્ચના સ્કૂલની બાજુમાં, સુરત શહેર-મૂળ રહે.વાઘનગર, તા.મહુવા, જિ.ભાવનગર), ધર્મેશ ઉર્ફે છોતેર (ઉ.વ.૨૬, રહે.માંકણા ગામ, તા.કામરેજ, જિ.સુરત), વૈભવ વિજયભાઈ તિવારી (ઉ.વ.૨૧, રહે.કડોદરા અરિહંત પાર્ક, તા.પલસાણા, જિ.સુરત-મૂળ રહે.થાના, સેજાબાદ, પ્રગાયરાજ)ની ધરપકડ કરી છે. આમ, પોલીસે સ્નેચિંગ કરેલી સોનાની ૨ ચેઈન કિં. રૂ.૩,૭૭,૦૦૦/-, બે બાઈક કિંમત ૧,૦૫,૦૦૦/-, પાંચ મોબાઈલ કિં.રૂ. ૨૫,૦૦૦,/- ચપ્પુ કિં.રૂ.૧૦૦૦ અને રોકડા રૂ.૮૧૪ મળી કુલ કિં.રૂ.૫,૦૯,૩૧૪/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500