જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો. તો બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જયારે આજે ફરી એકવાર પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરતાં ચંડોળા તળાવ આસપાસના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટોરેન્ટ પાવરની ટીમ વીજ જોડાણ કાપવા માટે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બાંગ્લાદેશી ધૂષણખોરોને વીણી વીણીને દેશનિકાલ કરવા ગુજરાત પોલીસે ઓપેરેશન હાથ ધર્યુ છે.
અમદાવાદમાં ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર ઉપરાંત ફુલગીરીના છાપરા પરપ્રાંતિયોનું એપી સેન્ટર રહ્યુ છે. રોજી રોજગાર મેળવવા આવેલાં પરપ્રાંતિયોની સંખ્યા આ વિસ્તારોમાં સૌથી વધુ છે. આ વિસ્તારોમાં કાર્યકત સ્વૈચ્છિક સંસ્થાઓનું કહેવુ છેકે, આ વિસ્તારમાં રહેતાં કેટલાંય પરિવારોએ એવાં છે જે અન્ય રાજ્યના જરૂર છે પણ તેમના બાળકોનો જન્મ ગુજરાતમાં થયો છે. તેમના પરિવારજનોના લગ્ન ગુજરાતમાં થયા છે. અમદાવાદમાં વર્ષોથી ધંધો રોજગાર, વ્યવસાય-છૂટક મજૂરી કરે છે. આ પરપ્રાંતિય પરિવારો પાસે વર્ષ 2011ના સ્લમ સર્વે આધારે ઝૂંપડા નંબર સહિત રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ સહિતના દસ્તાવેજો નથી. જોકે, ઘણાં પરિવારો પાસે જન્મતારીખના દાખલા નથી.આ કારણોસર તેઓ શંકાના દાયરામાં આવી જાય છે.
આ સિવાય હર્ષ સંઘવીએ ગેરકાયદે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ગેરકાયદે ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે. બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે. ચાર ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બે અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500