ધોરણ 7ના NCERT પાઠયપુસ્તકોમાંથી મુઘલો અને દિલ્હી સલ્તનતને લગતા પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય રાજવંશો, પવિત્ર ભૂગોળ, મહાકુંભ, મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવ, બેટી પઢાઓ અંગેના પ્રકરણો સામેલ કરવામાં આવ્યા છે. ચાલુ સપ્તાહમાં જારી કરવામાં આવેલા નવા પાઠયપુસ્તકો નવી નેશનલ એજયુકેશન પોલિસી (એનઇપી) અને નેશનલ કરીકયુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજયુકેશન (એનસીએફએસઇ), 2023ને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એનઇપી અને એનસીએફએસઇ શાળા શિક્ષણમાં ભારતીય પરંપરાઓ, તત્ત્વજ્ઞાાન, જ્ઞાાન પ્રણાલી અને સ્થાનિક સંદર્ભને સામેલ કરવા પર ભાર મૂકે છે. જ્યારે આ અંગે એનસીઇઆરટીના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે જણાવ્યું હતું કે આ પુસ્તકનો પ્રથમ ભાગ છે અને બીજો ભાગ આગામી મહિનાઓમાં જારી કરવામાં આવશે. જોકે દૂર કરવામાં આવેલા પ્રકરણનો બીજા ભાગમાં સામેલ કરવામાં આવશે કે નહીં તે અંગે તેમણે કંઇ પણ જણાવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ એનસીઇઆરટીએ તઘલક, ખિલજી, મમલુક અને લોદી રાજવંશ સહિત મુઘલો અને દિલ્હી સલ્તનતના પ્રકરણોમાં છટણી કરી હતી. જો કે નવા પુસ્તકોમાં તેમના તમામ સંદર્ભ દૂર કરવામાં આવ્યા છે. નવા પુસ્તકમાં તમામ નવા પ્રકરણો છે અને તેમાં મુઘલ અને દિલ્હી સલ્તનતનો કોઇ ઉલ્લેખ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500