ગાંધીનગર શહેર નજીકથી પસાર થતો ચિલોડા હિંમતનગર હાઇવે પર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે રાજસ્થાન તરફથી આવતી લક્ઝરી બસમાંથી ઉત્તરપ્રદેશનાં બે યુવાનોને પિસ્તોલ, દેશી તમંચો અને 42 જીવતા કારતુસ સાથે ઝડપી લીધા હતા. આ હથિયાર યુપીથી લાવ્યા હોવાનું અને રાજકોટમાં આપવાનુ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ચાર શખ્સે સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ, ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક લક્ઝરીને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતા બે મુસાફર ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લાના ગહતોલી નિર્મલ ગામના રાહુલકુમાર પ્રેમપાલ ચૌધરી અને તનીશ હરેન્દ્રકુમાર ચૌધરી પાસેથી એક પિસ્તોલ એક દેશી બનાવટનો તમંચો અને 42 જેટલા જીવતા કારતુસ મળી આવ્યા હતા.
જે સંદર્ભે પુછતા આ હથિયાર યુપીના ગોકુલકુમારે મોકલી આપ્યા હતા અને રાજકોટ ખાતે શ્યામ આહિર નામના વ્યક્તિએ મંગાવ્યા હોવાનું બહાર આવ્યું હતું જેથી 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને યુવાનોની ધરપકડ કરીને કુલ ચાર વ્યક્તિ વિરૃધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. શ્યામ આહિરે કોના માટે આ હથિયારો મંગાવ્યા હતા તે જાણવા માટે પોલીસ મથી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500