ગાંધીનગર જિલ્લામાં અંદર ખાને છૂટથી ચાલતી દેશી વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓની વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાંચનાં પી.આઈ. ટીમે પુન્દ્રાસણ-ઉવારસદ રોડ પરથી કારમાંથી વિદેશી દારૂની હેરફેરનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. એસીબીની ટીમ ગાંધીનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કલોલથી પુન્દ્રાસણ ચોકડી થઈ ઉવારસદ તરફથી નંબર પ્લેટ વિનાની કારમાં વિદેશી દારૂનો જથ્થાની હેરફેર થવાની છે. જે બાતમીના આધારે એલ.સી.બી.એ બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી દીધી હતી.
ત્યારબાદ બાતમી મુજબની કાર દૂરથી દેખાતાં ઈશારો કરીને કોર્ડન કરી રોકી દેવામાં આવી હતી. જેમાં ડ્રાઇવર સીટ ઉપર બેઠેલા ઈસમે પોતાનું નામ સવારામ લાદારામ ચૌધરી (રહે.જોલપુર ગામ, બારીવાસ, શિરોહી રાજસ્થાન) તેમજ તેની બાજુ સીટમાં બેઠેલા ઈસમે પોતાનું નામ પ્રદીપભાઇ ચંદુભાઇ રાવળ (રહે.ભુંડાસણ ગામ, તા.કડી જી.મહેસાણા) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એલ.સી.બી.ની ટીમે ગાડીની તલાસી લેતાં પાછળની સીટમાંથી રૂપિયા 1,24,264/- ની કિંમતનો વિદેશી દારૂ-બિયરની 648 બોટલો મળી આવી હતી. આમ પકડાયેલા બંને ઈસમોની કડકાઈથી પૂછતાંછ કરતાં સવારામ ચૌધરીએ કબૂલાત કરેલી કે દાંતીવાડા કોલોની પાસેથી એક ઇસમે ગાડીમાં દારૂ ભરી આપ્યો હતો.
જે લઈને કલોલ છત્રાલ બ્રિજ નીચે જઈને ઉભા રહેવાનું હતું. જ્યાં તેનો માણસ ગાડી જોઈને આવી જશે અને તે કહે ત્યાં દારૂનો જથ્થો ઉતારી દેવાનો હતો. આથી તે ગાડી લઈને ઉક્ત સ્થળે ગયો હતો અને ગાડી ઉભી રાખતાં પ્રદીપ રાવળ આવીને બેસી ગયો હતો. જેનાં કહેવા મુજબ કલોલથી પુન્દ્રાસણ થઇ ઉવારસદ તરફ ગાડી લઈને નીકળ્યા હતા. જ્યારે પ્રદિપે કબૂલાત કરેલી કે, તે છૂટક દારૂનો ધંધો કરે છે અને દારૂ લેવા માટે તપાસ કરતા દાંતીવાડાથી ગાડીમાં દારૂનો જથ્થો નિકળ્યો હોવાની જાણ થઈ હતી.
આ જથ્થો છત્રાલથી પુન્દ્રાસણ થઇ ઉવારસદ તરફના રોડ ઉપર આવેલ બળીયાદેવના મંદિર પાસે લઇ જવાનો છે. જ્યાં એક કાળા કલરના શર્ટ વાળા ઈસમને આપવાનો હતો. જેથી પોતે ગાડીમાં બેસી ગયો હતો જેનાં પગલે એલ.સી.બી.એ દારૂનો જથ્થો, કાર, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500