ગાંધીનગર શહેર નજીક આવેલ ભાટ ગામની વસાહતમાં ઘર કામ કરવા આવેલ આવેલ ત્રણ મહિલાઓએ મકાનમાંથી સોનાના રૂપિયા 6.40 લાખના દાગીના ચોરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જોકે આ મામલે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે આ મહિલાઓની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ભાટ ગામની આંતરે એક્ઝોટીકા નામની વસાહતમાં રહેતા અને ફુટવેર બનાવવાનો વ્યવસાય કરતા કેતન પ્રકાશ જાંગીયાનીનાં ઘરમાં ઘર કામવાલી બનીને આવેલી મહિલાઓએ ચોરી કર્યાની ઘટના સામે આવી છે.
જોકે ગત તા.29મી જાન્યુઆરીએ તેમના ઘરે આવતી કામવાળી મહિલા રજા ઉપર જતા આ જ દિવસે બપોરના સમયે ત્રણ અજાણી મહિલાઓ તેમના ઘરે આવી હતી અને તેમની માતા સાથે કામ બાબતે વાતચીત કરી હતી તેથી તેમણે કોઇ એક મહિલાને આવતી કાલથી આવવા કહ્યું હતું જોકે આ ત્રણેય મહિલાઓ સાથે જ કામ કરતી હોવાનું કહીને બીજા દિવસે સાથે જ આવી હતી અને કામ કરીને નીકળી ગઇ હતી.
બીજા દિવસે કામ અધુરુ મુકીને અન્ય બંગલામાં કામ કરીને આવવાનું કહીને નિકળી ગઇ હતી જે પરત ફરી ન હતી. ત્યારે થોડા દિવસે અગાઉ તેમની માતાને દાગીનાની જરૂર પડતા ડ્રોવર ખોલ્યું હતું જેમાં સોનાની ચાર બંગડી અને કંગન મળીને કુલ રૂપિયા 6.40 લાખના દાગીના ચોરાયા હોવાનું જણાયું હતું. જયારે CCTVમાં તપાસ કરતા આ મહિલાઓની હિલચાલ પણ શંકાસ્પદ જણાઇ હતી. હાલ તો આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500