ઊંઝા તાલુકાનાં કહોડા ગામના એક ઈસમ તેમની ભાણી સાથે પોતાની કાર લઈ અમદાવાદ દર્શન માટે ગયા હતા અને ત્યાંથી બપોરે પરત નીકળી માણસા થઈ ગેરીતા કોલવડા બાજુ જતા હતા તે સમયે માણસા વિજાપુર હાઇવે પર તેમણે કાર પર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ટકરાઈ હતી જેમાં આ ચાલકનું છાતીના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું. બનાવ અંગે માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ઊંઝા તાલુકાનાં કહોડા ગામના વતની હસમુખભાઈ નરોત્તમદાસ પટેલ રવિવારે સવારે પાટણ ખાતે રહેતા તેમના કૌટુંબીક ભાણી શમષ્ઠાબેન રજનીકાંત પટેલની સાથે પોતાની કાર લઈ અમદાવાદ ખાતે આવેલ રાધાસ્વામી સત્સંગમાં દર્શન માટે ગયા હતા અને ત્યાંથી તેઓ બપોરનાં સમયે અમદાવાદથી નીકળી માણસા થઈ ગેરીતા કોલવડા ગામે આવેલ મંદિરે દર્શન કરી પરત જવાના હતા અને તેઓ અમદાવાદથી નીકળ્યા બાદ માણસાથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે તેઓ વિજાપુર હાઇવે પર આવેલ ભાગ્યોદય હોટલની નજીક પહોંચ્યા તે વખતે આ કારનાં ચાલક હસમુખભાઈએ પોતાની કાર પુરઝડપે ચલાવી બંપ કુદાવતા તેમણે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો જેના કારણે કાર ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાઈ હતી જેના કારણે કાર ચાલકને છાતીમાં તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા અને અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું તો અકસ્માત થયા બાબતની જાણ તેમના ભાણી શમષ્ઠાબેને તેમના પરિવારજનો સહિત સગા સંબંધીઓને કરતા તેઓ પણ માણસા દોડી આવ્યા હતા અને મૃતકનાં પુત્રને કેનેડા પણ આ બાબતની જાણ કરી દીધા બાદ મૃતદેહને મહેસાણા ખાતે લઈ જવામાં આવ્યો હતો જે બાબતે મૃતકના ભાણી શમષ્ઠાબેને માણસા પોલીસને ફરિયાદ આપતા ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500