દહેગામનાં હાલીસા ખાતે રહેતા માતા-પુત્રએ જમૈ બેન્કનું 1 કિલો 400 ગ્રામ સોનું સસ્તા ભાવે આપવાનું છે, તેમ કહીને અજબપુરાના વેપારી સાથે ઠગાઈ કરી હતી. સોનુ આપવાના બહાને રોકડા રૂપિયા 20 લાખ અને પાંચ પાંચ લાખ રૂપિયાના ચાર ચેક લઈ લીધા બાદ, સોનુ કે રૂપિયા ન આપતા આ મામલે છેતરપિંડીનો ભોગ બનનારે સાવલી પોલીસ મથકે બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વડોદરાના સાવલી ખાતે અજબપુરામાં રહેતા લક્ષ્મણસિંહ કાળુસિંહ પરમાર 2018ની સાલમાં ઓક્ટોબર મહિનામાં સાવલી બેન્ક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા ગયા હતા.
ત્યારે તેમના પરિચિત વિજયભાઈ વસંતભાઈ પરમાર, વસંતભાઈ મોહનભાઈ પરમાર, વિક્રમભાઈ ગણપતભાઈ પરમાર તેમને મળ્યા હતા અને જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે, તમારા ખેતી તથા તંબાકુના વેપારના પૈસા ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરો. જોકે આપણા ઓળખીતા પ્રકાશભાઈ જશભાઈ ચૌધરી તેમજ જ્યોત્સનાબેન જશભાઈ ચૌધરી (બંને રહે.હાલીસા,તા.દહેગામ) એસબીઆઇ બેન્ક દહેગામ ખાતે નોકરી કરે છે અને બેંક જે સોનાની હરાજી કરે, તે સોનુ આ બંને લઈ લે છે અને સસ્તા ભાવે વેચી દે છે અને આ પ્રકાશભાઈ તથા જ્યોત્સનાબેન પાસે હાલમાં 1 કિલો 400 ગ્રામ સોનું પડયું છે.
જે રૂપિયા 20 લાખમાં આપવાનું છે, તેમ કહી પોતે પ્રકાશભાઈ અને જ્યોત્સનાબેનને સારી રીતે ઓળખતા હોવાની ખાતરી આપી હતી. લક્ષ્મણસિંહ પોતે પણ આ પ્રકાશભાઈ તેમજ જ્યોતનાબેનને ઓળખતા હોવાથી તેમણે વિશ્વાસ રાખ્યો હતો. અને સોનું ખરીદવાની તૈયારી બતાવી હતી. ત્યારબાદ તારીખ 9 ડિસેમ્બર 2019ના રોજ સોનુ ખરીદવા માટે પ્રકાશભાઈ અને જ્યોત્સનાબેન સાથે એડવાન્સ રૂપિયા માંગે છે તેમ કહેતા લક્ષ્મણસિંહે રોકડા રૂપિયા 10 લાખ બાના પેટે આપ્યા હતા. બાદમાં બીજા રૂપિયાની માંગણી કરતા 29 ફેબુ્રઆરી 2020ના રોજ બીજા રોકડા રૂપિયા 10 લાખ પ્રકાશભાઈને આપ્યા હતા.
જોકે, 2020માં લોકડાઉન આવી જતા સોનું લાવી શકાયું ન હતું. બાદમાં લક્ષ્મણસિંહભાઈએ સોના બાબતે પૂછતા વિજયભાઈ, વસંતભાઈ અને વિક્રમભાઈએ જ્યોત્સનાબેન પાસેથી અમે સોનુ લઈ આવીએ તેમ જણાવ્યું હતું. જોકે આ માતા- પુત્ર સોનુ માંગતા જ વાયદા કરતા હતા અને ઉડાઉ જવાબ આપતા હતા. આ સમયે હજુ બીજા ટેક્સના રૂપિયા 20 લાખ આપવા પડશે તેવી વાત કરતા લક્ષ્મણ સિંહે આ વખતે પાંચ પાંચ લાખ રૂપિયાના ચાર ચેક લખી આપ્યા હતા. જે હજુ સુધી વટાવવામાં આવ્યા નથી જોકે, ત્યાર પછી પણ પ્રકાશભાઈ ચૌધરી તથા ચૌધરી જ્યોત્સનાબેન જશભાઈ (બંને રહે.હાલીસા, તા.દહેગામે) પૈસા કે સોનું ન આપી છેતરપિંડી કરતા અંતે આ મામલે લક્ષ્મણસિંહે સાવલી પોલીસ મથકે માતા અને પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500