ગાંધીનગર શહેર નજીક રાયસણમાં રાત્રીનાં સમયે બેસવા માટે ભેગા થયેલ મિત્રો અન્ય બે મિત્રોને મુકવા માટે કારમાં જઇ રહ્યા હતા. તે સમયે બીએપીએસ શાળા પાસે ચાલક યુવાને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઇડમાં વીજ થાંભલા સાથે અથડાઇને પલટી ખાઇ ગઇ હતી. જોકે ગમખ્વાર અકસ્માતમાં ચાલક યુવાન સહિત બેનાં સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ યુવાનોને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત એવી છે કે, રાયસણમાં આવેલા વૃંદાવન બંગલોઝની સામે રહેતા યુવાન ધવલ ભુપતભાઇ રાવળ તેમજ રાયસણના હાર્દિક નવનીતભાઇ પટેલ, જીગર કાંતિભાઇ રાવળ, વિપુલ વિરચંદજી ઠાકોર અને પ્રવિણ લાભુભાઇ રાવળ (રહે. કુડાસણ)એ રાયસણ ગામમાં સીલીકોન લાવીસ્ટા ખાતે બેસવા માટે ભેગા થયા હતા. ત્યારબાદ પ્રવીણ અને જીગરે ઘરે મુકી જવાની વાત કરતા હાર્દિક તેની કાર લઇને આવ્યો હતો અને પ્રવિણે આ કાર ચલાવી હતી અને હાર્દિક તેની કારમાં બાજુમાં બેઠો હતો, જ્યારે વિપુલ, ધવલ અને જીગર કારની પાછળની બાજુએ બેઠાં હતા. રાયસણ ગામથી હાઇવે તરફ કાર જઇ રહી હતી.
તે સમયે બીએસપીએસ સ્કૂલ પાસે અચાનક જ પ્રવીણે કાર ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે રોડ સાઇડમાં વીજ થાંભલા સાથે ધડાકાભેર કાર અથડાઇ હતી અને એક પછી એક ત્રણ પલટી ખાઇ ગઇ હતી. જોકે આ ગમખ્વાર અકસ્માતમાં કારની આગળની બાજુએ બેઠેલા પ્રવીણ અને હાર્દિકને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલથી ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500