ગાંધીનગરનાં રણાસણ સર્કલ પાસેથી એટલાન્ટા કોમ્પ્લેક્સમાં આવેલ હોટલ વિશ્વામાં ડભોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને દારૂની મહેફિલ માણતાં અમદાવાદનાં સાત ઈસમોને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગાંધીનગરનાં ડભોડા પોલીસ મથકની ટીમ રાત્રિના સમયે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન ફરતા ફરતા લીંબડીયા ગામે નર્મદા કેનાલના પુલ પહોંચતા અંગત રાહે બાતમી હકિકત મળેલ કે, ૨ણાસણ સર્કલ પાસે આવેલ એટલાન્ટા કોમ્પલેક્ષમાં હોટલ વિશ્વાનાં રૂમ નંબર-612માં દારૂની મહેફિલ ચાલી રહી છે.
જે બાતમીના પગલે ડભોડા પોલીસની ટીમે હોટલમાં દરોડો પાડયો હતો. જ્યાં રીસેપ્સન કાઉટર ઉપર એક ઈસમ બેઠો હતો. જેણે પોતાની નામ લાલુ અશોક શર્મા હોવાનું કહી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસ હોટલનાં રૂમ નંબર-612માં ઘૂસી ગઈ હતી. જ્યાં સાત ઈસમો ગોળ કુંડાળું વળીને દારૂની મહેફિલ માણતાં આબાદ રીતે ઝડપાઈ ગયા હતા.
ત્યારે અચાનક પોલીસ ત્રાટકતા તમામનો દારૂનો નશો ઉતરી ગયો હતો. જેઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ જયેશ બળદેવભાઈ પટેલ (રહે.કલાસાગર સોસાયટી, શાહીબાગ), મીતેશ મુકેશભાઈ કોઠારી (રહે.રાજમંદીર એપાર્ટમેન્ટ, દેવીસીનેમાની સામે નરોડા) રાજેશભાઈ ચંદુભાઈ પટેલ (રહે. મધુરમ ટાવર સર્કિટ હાઉસની સામે, શાહીબાગ), મયુર બળદેવભાઈ પટેલ (રહે.કલાસાગર સોસાયટી, શાહીબાગ), નીરજ ભરતભાઇ પટેલ (રહે.પ્રહલાદ રેસીડેન્સી સેંટમેરી સ્કૂલ પાસે, નવા નરોડા), ભુપેંદ્ર ભરતભાઈ પ્રજાપતી (રહે.હઠીપુરા લાખાજી કુંવરજી હોલની સામે, માધુપુરા) અને નીતીન બાલક્રુષ્ણ ટેલેકર (રહે.પ્રહલાદ રેસીડેન્સી સેંટમેરી સ્કૂલની પાસે, નવા નરોડા) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે હોટલના રૂમમાં તપાસ કરતા થોડોક દારૂ ભરેલી બોટલ, બીયરનું ટીન, નમકીન, બે પાણીની બોટલ, પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ રોકડ રકમ મળીનો મુદામાલ મળી આવ્યો હતો. બનાવ અંગે સાતેયની ડભોડા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500