ગાંધીનગરનાં લેકાવાડાનાં ત્રણ યુવકો બપોરનાં સમયે વિસનગર તાલુકાના કડા ગામે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે માણસા તાલુકાનાં લીંબોદરા ગામના પાટીયા પાસે પહોંચ્યા તે સમયે બાલવા તરફથી આવી રહેલ મારુતિ વાનના ચાલકે અચાનક પોતાનું વાહન લીંબોદરા ગામ તરફ વાળી દેતા એકટીવા સવાર આ ત્રણ યુવકો સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકટીવાના ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો અકસ્માત બાદ વાનનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ભાગી છૂટયો હતો બનાવ અંગે માણસા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ગાંધીનગરનાં લેકાવાડા ગામે વણઝારાવાસમાં રહેતો ભાવેશ મારસંગજી ઠાકોર તથા તેના બે મિત્રો સુનીલજી પ્રતાપજી ઠાકોર અને અમરતજી પ્રતાપજી ઠાકોર આ ત્રણેય યુવકો ગત રવિવારના રોજ બપોરે ભાવેશનું એકટીવા લઈ ગાંધીનગરથી વિસનગર પાસે આવેલ કડા ગામે દર્શન કરવા માટે નીકળ્યા હતા અને આ ત્રણેય યુવકો કડા મંદિરે દર્શન કરી સાંજના સમયે ત્યાંથી પરત નીકળ્યા હતા અને જ્યારે તેઓ ગાંધીનગર જવા માટે માણસા થઈ લીંબોદરા ગામના પાટીયા પાસે પહોંચ્યા હતા.
તે વખતે સામેથી બાલવા તરફથી આવી રહેલ એક મારુતિ વાનનાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અચાનક લીંબોદરા ગામ તરફ વાળી દેતા એકટીવા ચાલક સુનિલજી કઈ સમજે તે પહેલા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતને પગલે આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક એક્ટિવા પર સવાર ત્રણેય યુવકોને ઇજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર ખસેડયા હતા જેમાં સુનીલજી પ્રતાપજી ઠાકોરને માથાના ભાગે તેમજ ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તો ભાવેશ અને અમરતજીને નાની મોટી ઇજાઓ થઈ હોવાથી ગાંધીનગર સારવાર કરાવવામાં આવી હતી બીજી બાજુ અકસ્માત સર્જનાર મારૂતિ વાનનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી ભાગી છૂટયો હતો. બનાવ અંગે એકટીવા માલિક અને ભાવેશના પિતા મારસંગજી ઠાકોરે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500