સમગ્ર રાજ્યમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લાવવામાં આવ્યો છે તેમછતાં ઉતરાયણમાં તેનો બેફામ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કલોલનાં અંબિકા નગર બસ સ્ટેન્ડ પાસે બાઈક લઈને પસાર થતાં એક યુવકને દોરી વાગતા મૃત્યુ થયું હતું. જોકે તહેવારનાં દિવસે યુવકનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
જયારે બીજી તરફ બાળકીને દોરી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, કલોલમાં પતંગની દોરીએ એક યુવાનનો ભોગ લીધો છે કલોલનાં અંબિકા બસ સ્ટેન્ડ પરથી પસાર થઈ રહેલ અશ્વિનભાઈ ગઢવી પોતાના ગામ છત્રાલ જઈ રહ્યા હતા. તે દરમિયાન દોરી તેમના ગળામાં લપેટાઈ ગઈ હતી. દોરી વાગતા તેમનું ગળું કપાઈ જતા ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અંબિકા નગર બસ સ્ટેન્ડ પાસે યુવકનાં મૃત્યુનાં કલાક બાદ દોરી વાગવાની બીજી ઘટના સામે આવી હતી. પરિવાર સાથે સોલાથી કડી જઇ રહેલા દીપકભાઈ ચાવડા અંબિકા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમની 6 વર્ષની પુત્રીને દોરી વાગતા ઇજા પહોંચી હતી. બાળકીને હોઠ પર દોરી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500