ગાંધીનગરનાં દહેગામની મહિલા બુટલેગર તેના ઘરમાં ચોર ખાનું બનાવીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ સંતાડી ત્યાંથી જ દારૂનાં વેચાણનું નેટવર્ક ચલાવતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા કરી મહિલા બુટલેગરને પકડી તેના ઘરમાંથી રૂપિયા 1,09,195/-નો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દહેગામ પોલીસ પેટ્રોલિંગમ હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, દહેગામ શહેરમાં લીમ્બચ માતાની ફળીમાં રહેતી વીણા ઉર્ફે ભાભી ભાવેશ ઉર્ફે ભાવસિંહ ઉર્ફે ભાવલો ઝાલા પોતાના રહેણાંક મકાનમાં ચોર ખાનું બનાવીને વિદેશી દારૃ સંતાડી રાખી તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે તેના ઘરે દરોડો કરતા મકાનની અંદર બેઠક રૂમથી આગળ જતા બાથરૂમ તથા બેઠકરૃમ વચ્ચે આવેલા દરવાજાની વચ્ચે ગ્રેનાઇટના પથ્થરથી દરવાજાની ઉપર ફ્રેમ બનાવી હતી.
જે ફ્રેમ વારંવાર ખુલી હોવાનું જણાતા પોલીસ કર્મચારીઓએ ફ્રેમ ખોલવાનું કહેતા વીણાબેન ધક્કો મારી બાથરૂમ તરફ ખેંચતા તે ખુલી ગઈ હતી અને અંદરથી લાકડાનું પાટિયું બહાર નીકળ્યું હતું. જે ખેંચીને બહાર કાઢી બેઠક રૂમની બાજુમાં આવેલ સ્ટોર રૂમની અંદર પ્રવેશ કરતા તેમાં માળીયુ મળ્યું હતું અને તે ફનચરથી મઢાવેલ હતું. સીડી મારફતે માળિયાના ખાના ખોલતા માળીયાની અંદર વિદેશી દારૂ સંતાડેલો હતો. પોલીસે 597 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1,09,195/-નો કબ્જે લઈને વીણા ઉર્ફે ભાભી ઝાલાની ધરપકડ કરી હતી જ્યારે આ કેસમાં રાજુ મારવાડી (રહે.શામળાજી) વોન્ટેડ હોવાથી તેના વિરુદ્ધ પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વીણા ઉર્ફે ભાભીને શામળાજીમાં રહેતો રાજુ મારવાડી દારૂનો માલ પહોંચાડતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500