માણસા તાલુકાનાં અંબોડ પાસે પીકઅપ ટેમ્પોની ટક્કરે મોપેડ પર જતાં કિશોરનું મોત થયું હતું. માણેકપુર ગામનાં ત્રણ કિશોર બેટરી સંચાલિત મોપેડ લઈ અંબોડ ગામના પાટીયા પાસે ગયા હતા. જ્યાંથી પરત આવતી વખતે રોડ ક્રોસ કરતી વખતે પીકઅપ ટેમ્પોએ જોરદાર ટક્કર મારતા ત્રણેય કિશોરો રોડ પર પટકાયા હતા. જે પૈકી ગંભીરે રીતે ઘાયલ એક કિશોરનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, માણેકપુર ગામે બિહોલાના માઢમાં રહેતો 17 વર્ષીય યશરાજસિંહ બળવંતસિંહ બિહોલા પોતાના બે મિત્રો ગિરિરાજસિંહ અનોપસિંહ બિહોલા અને જયરાજસિંહ રાજેન્દ્રસિંહ બિહોલા સાથે શનિવારે સાંજે નીકળ્યો હતો. ત્રણેય મિત્રો માણેકપુરથી બેટરીથી ચાલતું મોપેડ લઈને ગાંધીનગર હાઇવે પર આવેલ અંબોડ ગામના પાટીયા પાસે વાળ કપાવા માટે આવ્યા હતા. ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે અંબોડ ગામના પાટીયા નજીક માણેકપુર જવાના કટ પર ગાંધીનગર મહુડી હાઇવે પર પહોંચ્યા હતા.
તે સમયે ગ્રામભારતી તરફથી આવી રહેલા પીકઅપ ટેમ્પો નંબર GJ/13/V/5809નાં ચાલકે મોપેડને ટક્કર મારી હતી અને આ ટક્કરને કારણે ત્રણયે મિત્રો રોડ ઉપર પટકાયા હતા, જેને પગલે સ્થાનિક લોકો દોડી આવેલા લોકોએ તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યશરાજસિંહનું મોત થયું હતું. જોકે અકસ્માતને પગલે પીકઅપ ટેમ્પોનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતકનાં કાકાએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500