ગાંધીનગર શહેર નજીક આવેલા ચાંદખેડામાં એક વર્ષ અગાઉ સગીર વયની કિશોરી સાથે સોશ્યલ મિડીયાના માધ્યમથી મિત્રતા કેળવીને બે યુવાનોએ તેણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે ઘટના બહાર આવતા સગીરાની માતાએ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે આ કેસ ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને બળાત્કારનાં ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
બનાવની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી 12 વર્ષિય સગીરા શાળામાં અભ્યાસ કરતી હતી તે દરમિયાન ચાંદખેડામાં કુમકુમ રેસીડેન્સી, D-56માં રહેતા રાહુલ ચૌહાણ સાથે સોશ્યલ મિડીયાનાં માધ્યમથી મિત્રતા થઇ હતી જે દરમિયાન રાહુલે તેના ઘરે લઇ જઇને સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું અને ત્યારબાદ મિત્રના ઘરે તેમજ હોટલ અને કારમાં લઇ જઇને તેણી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તો ચાંદખેડાની જ દેવનંદન હાઇટ્સ-202માં રહેતા આર્યન અલ્પેશકુમાર પ્રજાપતિએ પણ આ સગીરા સાથે બળજબરી પુર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જોકે ગત તા.30 ઓગસ્ટનાં રોજ ઘટના બહાર આવતા સગીરાની માતાએ ચાંદખેડા પોલીસ મથકમાં રાહુલ ચૌહાણ અને આર્યન પ્રજાપતિ સામે ફરિયાદ આપી હતી જે કેસની તપાસ એસટી એસસી સેલના એસીપી દ્વારા કરવામાં આવી હતી અને ભોગ બનનાર તથા આરોપીઓના મોબાઇલ ફોનના લોકેશન પણ મેળવ્યા હતા તથા હોટલના રજીસ્ટ્રરમાં એન્ટ્રી પણ જણાઇ આવી હતી.
જે કેસનું ચાર્જસીટ ગત તા.15 ઓક્ટોબરનાં રોજ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટના જજ સમક્ષ કેસ ચાલ્યો હતો અને સરકારી વકિલએ દલીલો કરી હતી કે, આરોપીઓ ભોગ બનનાર નાની વયનું હોવાનું જાણતા હોવા છતા તેની સાથે દુષ્કૃત્ય આચર્યું છે. સમાજમાં આવા ગુનાઓ બનતા અટકાવવા માટે આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે.
જયારે સુનાવણીના અંતે કોર્ટે આરોપી રાહુલ ચૌહાણ અને આર્યન પ્રજાપતિને બળાત્કારનાં ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી તો ભોગ બનનારને રૂપિયા 4 લાખની સહાય આપવાનો પણ કોર્ટે હૂકમ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500