ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં રહેતી પરિણીતાએ સાસુ-સસરા અને પતિ સહિતનાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે લગ્ન જીવનનાં સાત મહિનામાં જ પરિણીતાએ અંતિમ પગલું ભરી લેતા તેના પિતાએ સાસરીયાઓ સામે પેથાપુર પોલીસ મથકમાં આપઘાતનાં દુષ્પ્રેરણની ફરિયાદ આપી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના ગોઝારીયામાં રહેતા શૈલેષભાઇ અંબાલાલ પટેલની એકની એક પુત્રી હેતલના લગ્ન સાત મહિના અગાઉ ગાંધીનગર નજીક રાંધેજામાં રહેતા બળદેવભાઇ કાંતિભાઇ પટેલના પુત્ર ધુ્રમિલ સાથે થયા હતા. જોકે લગ્ન બાદ હેતલ પિયરમાં આવતી ત્યારે તેણે સાસુ વિમળાબેન ઘરકામ બાબતે અને તારે મારા પતિ સાથે લફરું છે તેવી શંકા કરીને મેણા મારતા હતા.
જયારે ઘરમાં કામકાજ બાબતે સાસુ-સસરા ઝગડો કરતા અને પતિ ધુ્રમિલને ચઢામણી કરતા તે પણ માર મારતો હોવાનું કહ્યું હતું. જોકે, પરિવારજનો ધીરે ધીરે સાસરીયા સુધરી જશે અને ઘર સંસાર બગાડીશ નહીં તેવું આશ્વાશન પણ આપતા હતા. પરંતુ ગતરોજ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને હેતલે પોતાના ઘરમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ ઘટના અંગે પરણીતાના પિતા શૈલેષભાઇને જાણ કરવામાં આવતા તે તેમના સાગઓ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને એકની એક દિકરીના મૃતદેહને જોઇને ભાંગી પડયા હતા. હાલમાં ફરિયાદનાં આધારે પેથાપુર પોલીસે સાસુ-સસરા, પતિ તેમજ નનંદ સામે આપઘાતનાં દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500