Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગર : ઇલેક્ટ્રોનિક્સ શો-રૂમમાં પૈસાની ઉઘરાણી મામલે ત્રણ શખ્સોએ કરી તોડ ફોડ, ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

  • May 25, 2023 

માણસાનાં મહાવીર કોમ્પ્લેક્સમાં પૂનમ ઇલેક્ટ્રોનિક્સ નામનાં શો-રૂમમાં પૈસાની ઉઘરાણી મામલે ત્રણ શખસો લોખંડની પાઇપો લઈને ત્રાટક્યા હતા અને શોરૂમનાં કાચ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને એક્ટિવામાં તોડફોડ કરીને રૂપિયા 71 હજારની લૂંટ કરી નાસી જતાં માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, માણસાની શિવમ સોસાયટીમાં રહેતા સાગરભાઈ ઘનશ્યામભાઇ દરજી માણસા મહાવીર કોમ્પ્લેક્સક્ષમાં પૂનમ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન છેલ્લાં પંદર વર્ષથી ચલાવે છે. જોકે ગતરોજ બપોરનાં દોઢેક વાગ્યે તેઓ તેમના પિતા સાથે શો-રૂમ પર હાજર હતા. તે દરમિયાન ભરત ઉર્ફે ડીગ્રી દસરત ઠાકોર (રહે.માણસા) ઉક્ત દુકાને ગયો હતો અને કહેવા લાગેલો કે 'મારી ઓફિસ માટે બે એ.સી.નાખી આપો. જેથી સાગરભાઈએ કહેલું કે 'હું તમારી પાસે અગાઉ આપેલી તિજોરીનાં રૂપિયા 23 હજાર માગું છું.






જેથી એ પૈસા ચૂકવી દો, એટલે આગળ બીજો વ્યવહાર કરીશું.' આ સાંભળીને ભરત ઉર્ફે ડીગ્રીએ સાગરભાઈને ગર્ભિત ધમકી આપેલી કે 'સાંજે 5 વાગ્યે મારું મગજ ફરી જશે, પછી તું જોઇ લેજે.' બાદમાં સાંજના 6 વાગ્યાની આસપાસ ઘનશ્યામભાઈ દરજી એકલા દુકાને હાજર હતા. એ વખતે સાગરભાઈ દુકાનની પાછળનાં ભાગે ચા-પાણી કરવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક કાચ તૂટવાનો અવાજ આવતાં તેઓ દુકાન આગળ દોડી આવ્યા હતા. ત્યારે ભરત ઉર્ફે ડીગ્રી દસરત ઠાકોર તથા તેની સાથે આવેલા અન્ય બે ઈસમ હાથમાં લોખંડની પાઇપો લઈ દુકાનનાં કાચ ઉપર ફટકા મારી અંદર ઘૂસી ગયા હતા અને લોખંડની પાઇપો વડે ઇલેક્ટ્રિક ઉપકરણોને તોડફોડ કરવા લાગ્યા હતા. ઘનશ્યામભાઈએ તોડફોડ કરવા બાબતે પૂછતાં તેઓ ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી પિતા-પુત્ર દુકાનની બહાર ગભરાઈને આવી ગયા હતા.






એ દરમિયાન ભરત ઉર્ફે ડીગ્રી સહિતના ત્રણેય ઈસમો તોડફોડ કરીને બહાર નીકળીને કહેવા લાગેલા કે, 'તું કે તારા પપ્પા હવે રસ્તામાં મળશો તો તમને ઉઠાવી લઈ જાનથી મારી નાખીશું,' એમ કહી બહાર પડેલા એક્ટિવામાં પણ તોડફોડ કરી જતા રહ્યા હતા. ત્યારબાદ પિતા-પુત્રએ તપાસ કરતાં 43 ઇંચના ટીવી નંગ-2 કિંમત રૂ.56 હજાર, 32 ઇંચના ટીવી નંગ-2, એક કૂલર, એક ટાવર ફેન, ફ્રિજ, ઘરઘંટી, એસી તેમજ એક્ટિવા મળીને રૂ.1 લાખ 58 હજાર 300નું નુકસાન તેમજ ત્રણેય જણા દુકાનના ડ્રોઅરમાં મૂકેલા રોકડ રૂપિયા 71 હજારની લૂંટ કરતા ગયાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application