ગાંધીનગરમાં એક્ટિવા ઉપર નીકળી ચોરીનાં ગુનાને અંજામ આપતી મહિલાને સેકટર-23 કડી કેમ્પસ સામેના છાપરાંમાંથી ઝડપી પાડવામાં આવી હતી. જોકે આ મહિલાએ પેથાપુર અને સેકટર-30માં આવેલા પાન પાર્લરનાં તાળા તોડીને ચોરીને ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગરનાં પેથાપુર મુકામે રહેતાં હસમુખભાઇ પુંજાભાઇ પ્રજાપતિ પેથાપુર ચોકડીથી ચરેડી પાસેનાં ઓમકાર રેસીડન્સીમાં જવાના રસ્તા ઉપર સિધ્ધેશ્વરી પાન પાર્લર (ગલ્લો)તથા ટી-સ્ટોલ ચલાવે છે.
તેઓ ગત તા.10ના રોજ વહેલી પરોઢિયે પાર્લર ઉપર પરત આવ્યા હતા. ત્યારે પાર્લર આગળ એક વીમલનો ખાલી થેલો બહાર પડેલ હતો અને ગલ્લાનાં પતરાનુ શટર એક બાજુથી તોડી ઉંચુ કરી ખુલ્લી હાલતમાં જોવા મળ્યું હતું. આથી તેમણે અંદર તપાસ કરતાં માલ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને પાર્લરનો માલ સામાન ચેક કરતાં સિગારેટ જે અલગ અલગ કંપનીના સિગારેટનાં પેકેટ નંગ-80, બાગબાનનાં ડબ્બા નંગ-20, કાચી સોપારી આશરે 10 કિ.ગ્રામ, પાન પડીકીઓ તથા કોલગેટ સિબાકા ટુથપેસ્ટ નંગ-20, જેબ્રોનીકસ કંપનીનુ સાઉન્ડ સિસ્ટમ તેમજ વકરાના રોકડ રૂપિયા 12 હજાર મળી કુલ રૂપિયા 40,100/-ની ચોરી ગયાનું માલુમ પડયું હતું.
બનાવ અંગે ફરિયાદ નોંધી પેથાપુર પોલીસ સ્ટાફે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસનો દોર હાથ ધરતાં ગુના વાળી જગ્યા અને નજીકના સર્કલનાં CCTV ફૂટેજ ચેક કરવામાં આવતાં એક મહિલા શંકાસ્પદ રીતે એક્ટિવા ઉપર જતી જોવા મળી હતી. જેનાં પગલે હ્યુમન સોર્સના આધારે મહિલાની શોધખોળ કરવામાં આવતાં શંકાસ્પદ મહિલા સેકટર-23 કડી કેમ્પસનાં સામેના છાપરામાં રહેતી હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે છાપરામાં છાપો માર્યો હતો. જ્યાં સોનલ અશોકભાઈ દંતાણીને પકડી લેવામાં આવી હતી.
ત્યારબાદ છાપરામાંથી ઉક્ત પાર્લરમાંથી ચોરી કરેલ રૂપિયા 25 હજારથી વધુનો મુદામાલ તેમજ 12 હજાર રોકડા મળી આવ્યા હતા. જોકે મહિલાની પૂછપરચમાં સોનલ ચોરીના ગુનાને અંજામ આપવા માટે એક્ટિવા લઈને શહેરમાં ફરતી હતી અને મોકો મળતાં જ ચોરીને અંજામ આપી છાપરામાં ચોરીનો મુદામાલ સંતાડી દેતી હતી. જેણે ત્રણેક મહિના અગાઉ પણ સેકટર-30 ખાતે પાન પાર્લરનાં તાળા તોડીને ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500