દહેગામનાં બહીયલમાં પત્ની સાથે આડા સંબંધો હોવાનો વહેમ રાખી પતિએ ખાનગી ક્લિનિકનાં કમ્પાઉન્ડરને લાકડીઓ ફટકારી હતી. તેમજ પતાવી દેવાની ધમકીઓ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દહેગામનાં બહીયલમાં રહેતો 23 વર્ષનો યુવાન એક ક્લિનિકમાં છેલ્લા સાત વર્ષથી કંપાઉન્ડર તરીકે ફરજ બજાવે છે.
જોકે ગતરોજ બપોરનાં સમયે કંપાઉન્ડર ઘરે જમવા માટે ગયો હતો અને બપોરનાં દોઢેક વાગે ક્લિનિક જઈ રહ્યો હતો. તે સમયે એક એક્ટિવા પર આવેલા ઈસમે તેને રસ્તામાં આંતરીને ઊભો રાખ્યો હતો. ત્યારબાદ તે કંપાઉન્ડરને જાહેરમાં બિભત્સ ગાળાગાળી કરવા લાગ્યો હતો અને પોતાની પત્ની સાથે આડા સંબંધોનો વહેમ રાખી માથાકૂટ કરવા લાગ્યો હતો.
જેથી યુવાને ગાળો નહીં બોલવા કહેતા ઈસમ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સાથે લાવેલી લાકડી લઈને કમ્પાઉન્ડરને ફટકારી દીધી હતી. જોકે આ બનાવના પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમજ કંપાઉન્ડરને વધુ મારમાંથી છોડાવ્યો હતો.
જોકે જતાં જતાં પણ એક્ટિવા સવાર ફરીવાર સામે આવીશ તો જાનથી નાખવાની ધમકીઓ આપતો ગયો હતો. જેથી ઈજાગ્રસ્ત કંપાઉન્ડરને સારવાર અર્થે લઈ જવાયો હતો. બનાવ અંગે દહેગામ પોલીસે આડા સંબંધોનો વહેમ રાખી કંપાઉન્ડરને માર મારનાર એક્ટિવા લઈને આવેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500