ગાંધીનગર પાસે અડાલજમાં ત્રિમંદિર પાસે વોચ ગોઠવીને રાજ્સ્થાનથી આવી રહેલી ટ્રકને આંતરીને બટાકાના કોથળાની આડમાં મુકેલો રૂપિયા 15.34 લાખનો વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, રાત્રીનાં સમયે મહેસાણા હાઇવે તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી સફેદ રંગની ટ્રક કલોલ હાઇવે થઇને અમદાવાદ તરફ જવાની હોવાની માહિતી ઇન્સપેક્ટરને મળતાં પોલીસ કાફલાએ વોચ ગોઠવી હતી.
તેમજ બાતમી મુજબની ટ્રક કલોલ તરફથી આવતાં રોડ પર વાહનોની આડશ કરીને રોકી લેવામાં આવી હતી. ટ્રકનાં ડ્રાઇવર રાજસ્થાનનાં શિરોહી જિલ્લાનાં વાડેલી ગામના રહેવાસી કમારામ ભીખારામ ચૌધરીને અટકમાં લઇને ટ્રકની તલાશી લેતાં સડેલા બટાકાનાં કોથળા નીચે સંતાડેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જોકે ટ્રકને પોલીસ સ્ટેશન લઇ જઇને તપાસ કરવામાં આવી ત્યારે દારૂની 306 પેટી મળી આવી હતી.
જેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 1100 નંગ દારૂ-બિયરની બોટલ અને કેનનો જથ્થો મળી આવ્યો હતો. જયારે પૂછપરછમાં ચાલકે રાજસ્થાનનાં તેના પરિચિત વનારામ સવાજી દેવાશીએ ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપ્યાનું અને નાના ચીલોડા પાસે અમદાવાદ હાઈવે પહોંચ્યા બાદ ફોન કરવાનું કહ્યાનું જણાવ્યુ હતું. આમ, પોલીસે 14.34 લાખની કિંમતનો દારૂનો જથ્થો, ટ્રક અને આરોપીનો મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 25.40 લાખનો મુદામાલ જપ્ત કરીને અડાલજ પોલીસ મથકમાં વનારામ સામે પણ ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500