કલોલ પાસેનાં પાનસર ગામે આવેલ એક નર્સરીમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જોકે આ કમ્પાઉન્ડમાં નાના બાળકો રમી રહ્યા હતા. તે વખતે એક ટ્રકનાં ચાલકે તેની ટ્રક રિવર્સ લેતાં ટ્રકનાં ટાયર બાળક ઉપર ફરી વળ્યા હતા, જેને પગલે બાળકનું મોત થયું હતું.
બનાવ અંગે પોલીસે ટ્રકનાં ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલ તાલુકાનાં પાનસર ગામે આવેલ મેટ્રો જેન બાયોટેક નર્સરીમાં દાહોદ જિલ્લાના નઢેલાવ ગામમાં રહેતા નરેશભાઈ બાબુભાઈ મંડોડ પરિવાર સાથે મજૂરી અર્થે આવ્યા હતા.
જોકે તેઓ નર્સરીમાં કેળના છોડને કેરેટમાં ગોઠવવાની મજૂરી કામ કરી રહેલા છે તેઓ નિત્યક્રમ મુજબ તેમની પત્નિ સાથે નર્સરીનાં કમ્પાઉન્ડમાં કામકાજ કરી રહ્યા હતા. તે વખતે તેમનો એક વર્ષનો બાળક રેહાન અન્ય બે ત્રણ નાના બાળકો સાથે રમી રહ્યો હતો.
તે વખતે કમ્પાઉન્ડમાં એક ટ્રકના ચાલકે ટ્રક ગફલતભરી રીતે હંકારીને રિવર્સમાં લેતા તેની પાછળ રમી રહેલો રેહાન ટ્રકના ટાયર નીચે આવી ગયો હતો અને એક વર્ષના બાળક ઉપર ટ્રકનાં ટાયર ફરી વળતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને ખાનગી વાહનમાં સારવાર અર્થે કલોલમાં લઈ જવામાં આવ્યો હતો.
જ્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ 108ની મદદથી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તપાસીને તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો બાળકના મોતને પગલે આસપાસમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બનાવ અંગે પોલીસે નરેશભાઈની ફરિયાદના આધારે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500