ગાંધીનગરનાં ભાટ સાબરમતી નદીના પટ માંથી આશરે પાંચેક દિવસ જુની અજાણ્યા પુરુષની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ઈન્ફોસિટી પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આસપાસની વિસ્તારોમાં પૂછતાછ સહિત મીસીંગ લોકોની યાદી મંગાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાલજ નર્મદા કેનાલથી ઝૂંડાલ તરફ જતા અવાવરૂ જગ્યાથી અજાણ્યા પુરુષ-સ્ત્રીની હત્યા કર્યા પછી સળગાવી દીધેલ હાલતમાં મળેલા કંકાલનો ભેદ ઉકેલવામાં પોલીસની ટીમો દોડધામ કરી રહી છે. એવામાં ગતરોજ સાબરમતી નદીના પટ માંથી વધુ એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ઈન્ફોસિટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગરનાં ભાટ સાબરમતી નદીનાં પટમાં ગતરોજ કેટલાક માછીમારો નદીમાં માછીમારી કરી રહ્યા હતા. ત્યારે નદી પાસે એક અજાણ્યા પુરુષની લાશ જોઈને ચોંકી ઉઠ્યા હતા. જેનાં પગલે પીસીઆર વાનનાં જવાનોને જાણ કરવામાં આવતા ઈન્ફોસિટી પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
જોકે આશરે 40 વર્ષીય અજાણ્યા પુરુષની લાશ પાંચેક દિવસ જુની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે લાશનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલની મદદ પણ લીધી છે. આ અંગે પીઆઈ જણાવ્યું હતું કે, બિનવારસી લાશ મળી આવતા હાલમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જયારે લાશની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આસપાસના વિસ્તારોમાં પણ ટીમોને મોકલીને પૂછતાંછ હાથ ધરવામાં આવી રહી છે. તેમજ મીસીંગ લોકોની યાદી મંગાવીને તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500