અમદાવાદનાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કર્મચારીનાં કલોલનાં બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશી અંદરથી સોના-ચાંદીના દાગીનાં રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ કલોલ શહેર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના ન્યુ ચાંદખેડા અક્ષય રેસીડેન્સીમાં રહેતા કૌશિકભાઇ કનૈયાલાલ ગઢવીનું મકાન કલોલનાં ગઢવી વાસમાં આવેલું છે. જેઓ વિસત ગેસ સર્વિસ નામે ખેડા ખાતે વેપાર કરે છે.
જ્યારે તેમના પત્ની અન્નપુર્ણાબેન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને મહીલા લીગલ કાઉન્સીલર વિભાગમાં ફરજ બજાવે છે. છ મહિના અગાઉ કૌશિકભાઇની તબિયત સારી રહેતી નહીં હોવાથી કલોલ ખાતેનું મકાન બંધ કરીને ચાંદખેડા રહેવા આવી ગયા હતા. જોકે અઠવાડિયમાં એકાદ વખત કલોલના મકાનની સાફ સફાઈ કરવા આવતાં જતાં રહેતાં હતાં. જેથી કલોલ ગઢવી વાસમાં રહેતા તેમના કાકા સુરાભાઇ પ્રતાપસિંહ ગઢવીએ ફોન કરીને જાણ કરેલી કે, મકાનના મુખ્ય દરવાજાની લોખંડની જાળીનો નકુચો તૂટેલો છે. જેનાં પગલે કૌશિકભાઈ પત્ની સાથે કલોલ દોડી આવ્યા હતા. ત્યારે માલૂમ પડેલું કે, મકાનનાં આગળનાં દરવાજા ઉપર લોખંડની જાળીવાળા દરવાજાનો નકુચો કપાયેલ હતો અને સર સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો.
આથી તેમણે વધુ તપાસ કરતા તિજોરી તિજોરીનું લોક તોડી તસ્કરો અંદરથી એક 10 ગ્રામ સોના ચાંદીના ડાયમંડ વાળી દ્વારકાધીશ ની મૂર્તિ, એક પંખી ભાતનો ચાંદીનો સેટ, એક ચાંદીનો પાંદળી વાળો બે બુટ્ટી સાથેનો સૈર, એક ચાંદીનો ચોકીનો બે બુટ્ટી તથા ટીક્કા સાથેનો સેટ, એક ચાંદીનો બે બુટ્ટી સાથેનો નાનો સેટ ચાંદીના 6 નંગ સૌકા, એક ચાંદીની વખ વાળો વાદક ચમચીનો બે જોડી શો-પીસ સેટ, તેમજ 10 હજાર રોકડા મળીને કુલ રૂપિયા 1 લાખથી વધુની મત્તા ચોરી ગયાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500