ગાંધીનગરનાં વાસણ મહાદેવ ખાતેથી પેથાપુર પોલીસે રૂપિયા 2.64 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે પેથાપુર પોલીસ સ્ટેશનનાં માર્ગદર્શનમાં ટીમ શનિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, વાસણ મહાદેવ ખાતે રહેતાં નિતેશસિંહ જશુજી વિહોલ દારૂની વેપલો કરે છે. જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરતાં નિતેશ મળી આવ્યો ન હતો.
જોકે તેના ઘરની પાસે રહેલાં ખરાબામાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 358 બોટલ અને બીયરના 528 ટીન મળી કુલ રૂપિયા 2,64,500/-નો દારૂ હતો. જેને પગલે પેથાપુર પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી નિતેશ જશુજી વિહોલ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
બીજી તરફ સેક્ટર-21 પોલીસને બાતમી મળી હતી કે, સેક્ટર-28 ચરેડી છાપરામાં રહેતો શંકર જશવંતભાઈ કાંગસિયા પોતાના છાપરામાં વિદેશી દારૂ સંતાડી રાખે છે. જેના આધારે પોલીસે રેડ કરતાં આરોપી તો ઘરે મળ્યો ન હતો. પરંતુ ઘરમાં વિદેશી દારૂની 5 બોટલ અને બીયરના 7 ટીન મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે 3675/-નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
જયારે સેક્ટર-21 પોલીસે ગુનામાં સહ આરોપી એવા પ્રવિણ ચતુરભાઈ દંતાણીને પેથાપુરા આંકોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ તેણે પોતે આંકોલ પાસે નાળીયામાં વિદેશી દારૂ સંતાડ્યો હોવાની કેફિયત આપી હતી. જેને પગલે સેક્ટર-21 પોલીસે આ અંગે પેથાપુર પોલીસને જાણ કરી હતી. જેને પગલે પેથાપુર પોલીસે પેથાપુર ચોકડીથી રાંધેજા જતાં વચ્ચે આવતા નાળીયામાંથી બીયરના 25 ટીન જપ્ત કર્યા હતા. બનાવ અંગે પેથાપુર પોલીસે દારૂ સંતાડનાર પ્રવિણ ચતુરભાઈ દંતાણી સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500