ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે પાલૈયા ગામની સીમમાં આવેલા બોરકૂવા પર રેડ કરી રૂપિયા 14.84 લાખનાં વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગરનાં દહેગામ પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી વિદેશી દારૂનાં કટિંગની પ્રવૃતિ ફૂલીફાલી હોવા છતાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી હતી. એવામાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં સુપ્રિટેન્ડન્ટ નિર્લિપ્ત રાયની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષકનાં સુપરવિઝન હેઠળ સ્ટેટ મોનીટરીંગની ટીમે ગતરોજ દહેગામનાં પાલૈયામાં ચાલતાં વિદેશી દારૂના કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઈ હતી.
જોકે સ્ટેટ મોનીટરીંગની ટીમે પૂર્વ બાતમીનાં આધારે પાલૈયા ગામની સીમમાં જીતુભાઈ ઠાકોરના બોરકૂવા પાસેની ખુલ્લી જગ્યામાં એક ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 3 હજાર 484 નંગ બોટલોનો જથ્થો જપ્ત કરી મસમોટા દારૂ કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આમ, સ્ટેટ મોનીટરીંગની ટીમે 14.84 લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ વાહન મળીને 21.84 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ બનાવમાં વિદેશી દારૂનાં કટિંગ દરમિયાન દેવેન્દ્ર પરીહાર, સોનું લક્ષ્મણસિંહ રાજપૂત, ટીનીયો ઠાકોર (દહેગામ), મહમદ શરીફ, સંદીપ દીવારકર, કમલેશ ઉર્ફે કાલુ દેવીદાસ, મૂકેશ મારવાડી અને નાઝીર હુસૈન ઉસ્માનગની સિંધીને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500