ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ અડાલજ માર્ગ ઉપર બપોરનાં સમયે પુરઝડપે જતા ડમ્પર ટ્રકે મોપેડને અડફેટે લીધું હતું અને તેમાં સવાર યુવાનનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ ભભુકી ઉઠી હતી જેને ગાંધીનગર ફાયરબ્રિગેડ દ્વારા કાબુમાં લેવામાં આવી હતી. બનાવની વિગત એવી છે કે, શહેર નજીક ઉવારસદ અડાલજ હાઇવે માર્ગ ઉપર બપોરનાં સમયે ઉવારસદ ગામના જ 30 વર્ષિય યુવાન વિક્રમજી ઉદાજી ઠાકોર મિત્ર સાથે પસાર થઇ રહ્યા હતા.
તે સમયે ત્યાંથી પુરઝડપે પસાર થઇ રહેલા ડમ્પર ટ્રકનાં ચાલકે પાછળથી તેમના મોપેડને અડફેટે લીધુ હતું જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓને કારણે વિક્રમજીનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસનાં લોકો એકઠા થઇ ગયા હતા અને ગંભીર ઘાયલ યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની આ ઘટના બાદ આગ ભભુકી ઉઠી હતી જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી અને ફાયરનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ઘટના અંગે ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application