ગાંધીનગરનાં ભાટ એપોલો સર્કલ નજીક ટોયોટા કારના ચાલકે અચાનક કાર પરનો કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઇડર પર ચડી ગઈ હતી. ત્યારબાદ કાર પલટી મારી ગઈ હતી. જેથી કાપડના દલાલીનું કામ કરતા કાર ચાલક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં સરદારનગર ખાતે રહેતા 32 વર્ષીય રોહિત રાયે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, કુટુંબી 35 વર્ષીય સાળો સુનીલ મૂલચંદાણી સરદારનગરનાં સમરથનગરમાં તેની વિધવા માતાની સાથે રહેતો હતો. આમ પરિવારમાં માં-દીકરા સિવાય બીજું કોઈ નથી.
જ્યારે સુનીલ કાપડની દલાલીનું કામ કરતો હતો. જોકે મધરાતે પોતાની ટોયોટા કાર પૂરઝડપે લઈને ભાટ એપોલો સર્કલ તરફ પસાર થઈ રહ્યો હતો. તે સમયે જર્મન પેલેસ હોટલ આગળ રોડ ઉપર અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. ત્યારબાદ કાર પલટી મારી ગઈ હતી. જોકે આ અકસ્માત થતાં જ મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા.
આ અકસ્માતના બનાવની જાણ થતાં 108ની ટીમ એમ્બ્યુલન્સ લઈને પહોંચી ગઈ હતી. જેમની તપાસમાં સુનીલનું ડ્રાઇવર સીટમાં જ કરૂણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે રોહિત તેમજ તેના સગા પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે અડાલજ પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500