ગાંધીનગર નજીક આવેલ બોરીજ ગામમાં રહેતી પરિણીત મહિલાએ ચાર દિવસ અગાઉ પોતાના ઘરમાં જ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેના પગલે પરિણીત મહિલાનાં ભાઇએ સેક્ટર-21 પોલીસ મથકમાં પતિ અને સાસુનાં ત્રાસથી બહેને આપઘાત કર્યા હોવાની ફરિયાદ આપતા પોલીસે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસારમ દહેગામ તાલુકાનાં વડવાસા ગામમાં રહેતી 32 વર્ષીય કિરણબેન ઇન્દ્રકુમાર બારોટનાં લગ્ન દસ વર્ષ અગાઉ બોરીજ ગામ ખાતે રહેતા મેહુલ જયંતિભાઇ બારોટ સાથે સમાજની રીત રીવાજ પ્રમાણે થયા હતા.
જોકે શરૂઆતમાં લગ્ન જીવન સુખેથી ચાલ્યું હતું અને પરિણીતાએ એક પુત્રને જન્મ પણ આપ્યો હતો અને ત્યારબાદ પતિ અને સાસુ દ્વારા અવાર-નવાર પરિણીતાને કામ બાબતે ત્રાસ આપવામાં આવતો હતો જેથી પરિણીતાએ રીસાઇને પિયરમાં જતી રહી હતી. જોકે, પરિવારજનોએ સમાધાન કરાવીને ફરીથી તેણીને સાસરીમાં મોકલી હતી.
તે દરમિયાન ગત તા.15મી સપ્ટેમ્બરનાં રોજ કિરણબેને ઝેરી દવા પી લેતા સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મહિલાનો ભાઇ હરગોવિંદભાઇએ પતિ મેહુલભાઇ બારોટ અને સાસુ મિનાબેન બારોટ સામે આપઘાતના દુષ્પ્રેરણની ફરિયાદ સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500