ગાંધીનગરનાં માણસા તાલુકાનાં મંડાલી વિહાર ગામના ખેડૂતનો ભત્રીજો લગ્ન પ્રસંગે જાન્યુઆરી મહિનામાં વતનમાં આવ્યો હતો તે દરમિયાન તેને કેનેડામાં ધંધો શરૂ કરવા માટે નાણાંની જરૂરિયાત હોય ફેસબુક ગુ્રપમાં રૂપિયાના બદલે કેનેડિયન ડોલર અંગે ચર્ચા કરી હતી જેમાં એક દંપતીએ તેમના સુરત ખાતે રહેતા સંબંધીને 27.81 લાખ રૂપિયા આપશો તો તે કેનેડિયન ડોલર તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવશે તેવી વાત કરતા આ પરિવારે આંગડિયા પેઢી મારફતે સુરત પૈસા પહોંચાડી દીધા હતા.
ત્યારબાદ આ ચીટર ગેંગે કેનેડિયન ડોલર જમા ન કરાવી પોતાના ફોન બંધ કરી દેતા ખેડૂત સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા અને તાજેતરમાં જ સુરત ખાતેથી આ પૈસા લઈ જનાર ઈસમ ઝડપાઈ જતા વિહારના ખેડૂતે માણસા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, માણસા તાલુકાના મંડાલી વિહાર ગામે રહેતા ખેડૂત મહેશકુમાર સોમાભાઈ પટેલનો ભત્રીજો હાદક સુરેશભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી કેનેડા સ્થાયી થયો છે અને જાન્યુઆરી મહિનામાં મહેશભાઈની પુત્રીના લગ્ન હોવાથી હાદક અહીં વતનમાં આવ્યો હતો.
તે વખતે તેણે તેના પિતાને કેનેડામાં નવો ધંધો શરૂ કરવા માટે નાણાંની જરૂરિયાત હોવાની વાત કરી હતી જેથી તેના પિતા સુરેશભાઈએ જમીન વેચીને પણ પૈસા આપીશું તેવું કહ્યું હતું ત્યારબાદ હાદકે કેનેડામાં તેમનું એક ફેસબુક ગુ્રપ ચાલે છે જેમાં પૈસાની લેવડદેવડ બાબતની વાતો થતી હોવાથી હાદકે પણ ઇન્ડિયામાં કોઈને નાણાં જોઈતા હોય અને સામે કેનેડિયન ડોલર આપવા હોય તો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું હતું.
જેથી આ ગ્રુપમાં રિંકલ પટેલ નામની યુવતીએ હાદકનો સંપર્ક કરી તેના પતિ વિતુલ સાથે વાત કરાવી હતી જેમાં તેણે સુરત ખાતે રહેતા તેના સંબંધી કૌશિકભાઇ રામજીભાઈ શેલડીયા ને 27 લાખ 81 હજાર રૂપિયા આપશો તો તે તેમને કેનેડિયન ડોલર ચૂકવી આપશે અને વાત થયા મુજબ હાદક તેમજ તેના કાકાએ આ રકમ આંગડિયા પેઢી મારફતે સુરત ભટાર ખાતે મોકલી આપી હતી અને આ રકમ કૌશિકભાઈ જઇને લઈ આવ્યા હતા ત્યારબાદ વિતુલે હાદકનો કેનેડા ખાતેના બેન્ક એકાઉન્ટનો નંબર લઈ તેમાં કેનેડિયન ડોલર જમા કરાવવાની વાત કરી હતી.
પરંતુ બે ત્રણ દિવસ થવા છતાં પણ તેણે ડોલર જમા કરાવ્યા ન હતા ત્યારબાદ હાદક પરત કેનેડા ગયો હતો અને ત્યાં જઈ તેણે આ દંપતી અને કૌશિકભાઈ ને અવારનવાર ફોન કરતો હતો પરંતુ ત્રણે વ્યક્તિના ફોન બંધ આવતા હતા જેથી તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડયું હતું પરંતુ પિતાની નાદુરસ્ત તબિયત ના કારણે તેણે આ વાત તેના પરિવારને કરી ન હતી પણ જ્યારે બે દિવસ પહેલા સુરત ના વરાછા પોલીસે કૌશિક ભાઈને કોઈ ગુનામાં ઝડપી પૂછપરછ કરતા તેણે મંડાલીના ખેડૂત સાથે કરેલી આ છેતરપિંડીની કબુલાત કરતા પોલીસે મહેશભાઈનો સંપર્ક કરી તેમને છેતરપિંડીની હકીકત જણાવતા ખેડૂતે માણસા પોલીસ સ્ટેશને આ બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500