ગાંધીનગર શહેરમાં મોડી રાત્રે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ઇન્સ્યોરન્સ કંપનીના બ્રાન્ચ મેનેજરને ઇડર જવા માટે કારમાં લીફ્ટ આપીને ચાર શખ્સોએ લૂંટી લીધો હતો અને રોકડ તેમજ મોબાઇલ મળીને રૂપિયા 24 હજાર લઇને કારમાંથી બહાર ફેંકી દીધા હતા. બનાવ અંગે ચિલોડા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત એવી છે કે, અમદાવાદનાં વસ્ત્રાલ ખાતે કેન્સાસ દેવશ્ય વસાહતમાં રહેતા અને ગાંધીનગરની સેક્ટર-21માં આવેલી કેર હેલ્થ ઇન્સ્યોરન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશભાઇ શિરીસચંદ્ર ભટ્ટ ઘરેથી રાત્રીના સમયે ઇડર જવા માટે નિકળ્યા હતા.
તે સમયે ચિલોડાથી ટ્રકમાં બેસીને મોટા ચિલોડા બ્રીજ પાસે પહોંચ્યો હતા તે દરમિયાન એક કાર તેમની પાસે આવી હતી અને તેમાં સવાર વ્યક્તિએ ક્યાં જવું છે તેમ પુછતા તેમણે ઇડર જવાનું કહ્યું હતું જેથી આ શખ્સોએ હિંમતનગર સુધી લઇ જવાની વાત કરી હતી કાર થોડે આગળ ચાલ્યા બાદ પાછળની સીટમાં બેઠેલા વ્યક્તિએ બેગમાં શું છે દારૂ કે ડ્રગ્સ છે તેમ પુછ્યું હતું જેથી તેમણે બેગ બતાવવાનું ના પાડતા લાફો મારી દીધો હતો.
ત્યારબાદ બેગ આંચકીને તેમાંથી 3 હજાર રૂપિયા ભરેલું પર્સ લઇ લીધું હતું અને તેમના ખિસ્સામાંથી પણ એક હજાર રૂપિયા કાઢી લીધા હતા તેમજ મોબાઇલ પણ લૂંટી લીધો હતો અને મંદિર પાસે કાર ઉભી રાખીને લાત મારીને તેમને નીચે નાંખી દીધા હતા જેથી ગભરાઇ ગયેલા હિતેષભાઇએ તેમના સાળાને ફોન કર્યો હતો અને ઘરે પહોંચ્યા હતા. બનાવ અંગે વહેલી સવારે ચિલોડા પોલીસ મથકમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500