ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં જુગારની વધી રહ્યો છે ત્યારે પેથાપુર પોલીસે કોલવડામાં દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે ત્રણ જુગારીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. આમ, પોલીસે જુગારીઓ પાસેથી 20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, પેથાપુર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, કોલવડામાં આવેલા પગી વાસમાં કેટલાક લોકો ભેગા મળીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ અહીં દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
જોકે પોલીસે ચાર જુગારીઓને સ્થળ ઉપરથી ઝડપી લીધા હતા. જેમાં કોલવડાના પગીવાસમાં રહેતા દશરથજી જવાનજી ઠાકોર, દશરથજી પુંજાજી ઠાકોર, પોપટજી જવાનજી ઠાકોર અને ભીખાજી બાદલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે પોલીસે ઝડપાયેલા આ જુગારીઓની પૂછપરછ કરતા ભાગી ગયેલા ત્રણ જુગારીઓના પણ નામ આવ્યા હતા જેમાં કરણ કચરાજી ઠાકોર, અર્જુન ઉર્ફે મોરલો બાબુજી ઠાકોર અને ચેતન બાબુજી ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને ફરાર ત્રણ જુગારીઓની શોધખોળ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500