ગાંધીનગરનાં શેરથા ગામમાં મેલડી માતાનાં મંદિર પાસે રાત્રે સ્ટ્રીટ લાઈટનાં અજવાળે જુગારની બાઝી માંડીને બેઠેલા ચાર જુગારીઓને અડાલજ પોલીસે રેડ પાડી રંગેહાથ ઝડપી લઈ રૂપિયા 10,530/-ની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, અડાલજ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, શેરથા ગામે આવેલા મેલડી માતાનાં મંદિર પાસે કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠેલા હતા જેનાં પગલે પોલીસ ટીમ શેરથા ગામમાં દોડી પહોંચી હતી.
જોકે બાતમી વાળી જગ્યાએ સ્ટ્રીટ લાઈટનાં અજવાળે ચાર ઈસમો કુંડાળું વળીને જુગાર રમી રહ્યા હતા. જેઓને પોલીસે કોર્ડન કરીને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે ચારેયની પૂછતાંછ શરૂ કરાઈ હતી. આથી જુગાર રમી રહેલા ઈસમોએ પોતાના નામ કેતન ઠાકોર (રહે. કાવીઠા ગામ), કેતન ગલાબજી ઠાકોર (રહે.ઉવારસદ), બળદેવજી બાબુજી ઠાકોર અને રણજીત રમતુજી ઠાકોર (બંને રહે. શેરથા) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ચારેયની ધરપકડ કરી અંગઝડતી અને દાવ પરથી 10,530/- રોકડા અને જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500