ગાંધીનગરમાં ચીલોડા હિંમતનગર હાઇવે રોડ પર ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મારુતિ ટ્રાવેલ્સની બસમાંથી બિનવારસી હાલતમાં કારતૂસ સાથેનો દેશી તમંચો મળી આવતાં ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચીલોડા હિંમતનગર હાઇવે રોડ પરથી પસાર થતાં વાહનો માંથી ગેરકાયદેસર હથિયારો તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપાતો રહેતો હોય છે. હજી બે દિવસ અગાઉ જ વાહન ચેકીંગ દરમિયાન મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂનો બોટલોનો જથ્થો ઝડપાયો હતો.
ત્યારે ફરીવાર વાહન ચેકિંગ દરમિયાન મારુતિ ટ્રાવેલ્સ નામની લકઝરી બસમાંથી બિનવારસી હાલતમાં દેશી તમંચો અને કારતુસ મળી આવ્યાં છે. જયારે ચીલોડા પોલીસ ચંદ્રાલા આગમન હોટલ પાસેનાં નાકા પોઈન્ટ ઉપર હિંમતનગર તરફથી આવતા વાહનોનું એક પછી એક ચેકીંગ કરી રહી હતી.
તે દરમ્યાન હીંમતનગર તરફથી મારુતિ ટ્રાવેલ્સની લકઝરી બસ આવી પહોંચતા તેને રોકી દેવામાં આવી હતી. બાદમાં પોલીસે ડ્રાઇવર કંડકટરને સાથે રાખી મુસાફરોના સામાનની તલાશી શરૂ કરી હતી.
તે સમયે બસના છેલ્લા સ્લીપર કોચની સીટ નીચેથી બિનવારસી હાલતમાં એક બિનવારસી હાલતમાં પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેની તલાશી લેતાં અંદરથી દેશી તમંચો અને કારતુસ મળી આવતાં ડ્રાઇવર કંડકટરની પૂછતાંછ કરવામાં આવી હતી. જોકે બંનેને કયો મુસાફર હથિયાર મૂકી ગયો તેની કઈ ખબર ન હતી. બનાવ અંગે પોલીસે અજાણ્યા મુસાફર વિરુદ્ધ ગુનો નોંધી દેશી તમંચો અને કારતુસ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500