ગાંધીનગરનાં માણસા શહેરનાં મુખ્ય બજારમાં દેવડા વાસમાં આવેલ કરિયાણાની દુકાનમાં રાત્રીએ અજાણ્યા ચોર ઈસમો દુકાના શટરનું તાળું તોડી અંદર ડ્રોવરનાં નીચેનાં ખાનામાંથી રૂપિયા 1,77,000/ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, માણસા શહેરના મુખ્ય બજારમાં દેવડાવાસમાં આવેલ પટેલ બાબુભાઈ સોમાભાઈની પેઢી નામે કરિયાણાની દુકાન ચલાવતા પટેલ અંબાલાલ સોમાભાઈ તથા તેમના પુત્રો અને ભાગીદાર મળી કુલ 7 વ્યક્તિ નિત્યક્રમ મુજબ સવારથી સાંજ સુધી દુકાને હાજર હતા.
ત્યારબાદ આ દુકાનનાં બંને શટરને તાળું મારી તેવો ઘરે ગયા હતા અને તે પછી રાત્રીનાં કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસામો અહીં ચોરી કરવાના ઈરાદે આવ્યા હતા અને દુકાનના બે શટરમાંથી એક શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશ કરી મુખ્ય ડ્રોવરનાં નીચેના કબાટમાં દુકાનદારે મુકેલા અલગ-અલગ દરની ચલણી નોટોનાં 1,77,000/-ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જ્યારે દુકાનદાર સવારે તેમની દુકાને આવ્યા તે વખતે એક દુકાનનાં શટરનું તાળું તૂટેલું જોતા દુકાનમાં ચોરી થઈ હોવાનું માની તેમણે ડ્રોવર અને તેના નીચેના કબાટમાં મુકેલા પૈસાની તપાસ કરતા તે જણાયા ન હતા જેથી તેમણે આ બાબતની તાત્કાલિક માણસા પોલીસને જાણ કરી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500