ગાંધીનગરનાં માણસા તાલુકાના મકાખાડ ગામે રહેતા વૃદ્ધ ખેડૂત રાત્રે ઘરેથી રેલવે ફાટક પાસે આવેલા પોતાના ખેતરે જઈ રહ્યા હતા તે સમયે એક કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી વૃદ્ધને પાછળથી ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃતકના પુત્ર એ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા માણસા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, માણસા તાલુકાના મકાખાડ ગામે ચૌધરી વાસમાં રહેતા ભીખાભાઈ બળદેવભાઈ ચૌધરી ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમના 60 વર્ષીય બળદેવભાઈ રણછોડભાઈ પણ તેમને ખેતીમાં મદદરૂપ થતા હતા.
જોકે રાત્રે ભીખાભાઈ તેમજ તેમના પિતા અને માતા રાત્રે જમી પરવારી ને ઘરે હાજર હતા ત્યારબાદ બળદેવભાઈ તેમના ઘરેથી નીકળી પ્રતાપનગર રેલવે ફાટક નજીક સામેના પોતાના ખેતરમાં વાવેતર કરેલો હોવાથી પાક જોવા માટે નીકળ્યા હતા અને ત્યારે રાત્રિના આઠ વાગે અંબોડ ગામ તરફથી આવી ગયેલ એક કારના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ પર જઈ રહેલા આ વૃદ્ધને પાછળથી ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા અને શરીરે,બરડાના ભાગે તેમજ બંને પગે ગંભીર ઇજાઓ થઈ હતી
જોકે અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકો એ ઇજાગ્રસ્ત વૃદ્ધના પરિવારજનોને આ બાબતની જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્ત બળદેવભાઈને સારવાર માટે ગાંધીનગર લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું તો અકસ્માત સર્જનાર કારનો ચાલક અકસ્માત બાદ પોતાની કાર લઇ ભાગી છૂટયો હતો જે બાબતે મૃતકના પુત્ર ભીખાભાઈએ માણસા પોલીસ સ્ટેશને કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500