ગાંધીનગરનાં માણસા તાલુકાનાં દેલવાડ ગામના બે યુવક મિત્રો તેમની નોકરી પુરી કરી એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યા હતા. તે સમયે પ્રતાપનગર ગામ પાસે ફાટકની આગળ સામેથી આવી રહેલા બાઈકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી એકટીવાને ટક્કર મારતા બંને યુવકો નીચે પટકાયા હતા. જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાબતે અકસ્માત સર્જનાર અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, માણસાના દેલવાડ ગામે રહેતા અને માણસા શહેરમાં માર્કેટયાર્ડ સામે આવેલી એક દુકાનમાં હેલ્પર તરીકે નોકરી કરતા રાવળ અરુણકુમાર સેંધાભાઈ તથા દેલવાડ ગામના જ તેમના મિત્ર રમેશજી બેચરજી ઠાકોર બંને એક જ દુકાનમાં નોકરી કરતા હોવાથી નિયમિત સાથે અપડાઉન કરે છે.
જોકે ગતરોજ બંને મિત્રો સવારે તેમના ઘરેથી માણસા આવ્યા હતા અને દુકાને આખો દિવસ રહ્યા બાદ સાંજે ઘરે જવામાં મોડું થયું હોવાથી રમેશજીએ તેમના શેઠનું એક્ટિવા ઘરે લઈ જવા માટે લીધું હતું. જે એકટીવાને અરૂણભાઇ ચલાવી રમેશજીને પાછળ બેસાડી દેલવાડ ગામ તરફ નીકળ્યા હતા. રાતના સમયે પ્રતાપનગર પાસેના રેલવે ફાટકથી અંબોડ તરફ જતા રોડ પર પહોંચ્યા તે વખતે સામેથી આવી રહેલા એક બાઈક નંબર GJ/08/CL/6151નાં ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી દેલવાડ ગામ તરફ જઈ રહેલા એકટીવાને ટક્કર મારતા બંને યુવકો નીચે રોડ પર પટકાયા હતા.
ત્યારે અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર ખસેડયા હતા. જેમાં માથાના ભાગે ગંભીર ઇજાને કારણે 42 વર્ષીય રમેશજી બેચરજી ઠાકોરનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે અરુણભાઈને ખભાના ભાગે ફેક્ચર થયેલાનું નિદાન થતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર બાઈકનો ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હતો. જે બાબતે ઇજાગ્રસ્ત અરુણભાઈએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500