ગાંધીનગર એલસીબી પોલીસે ચોરીનાં ૯ મોબાઇલ સાથે ૫ ચોરોને ઝડપી પાડયા છે. જોકે આ ચોર આગામી દિવસોમાં ઘરફોડ પણ કરવાના હતા તે માટે તેમણે ચાર સેક્ટરોમાં રેકી પણ કરી હતી. આ પાંચેય ચોરને ૯ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૧.૭૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતો. બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો રામકથા મેદાનમાં રીક્ષામાં બેસીને શંકાસ્પદ પ્રવૃત્તી કરી રહ્યા છે.
જેના બાતમીનાં આધારે એલસીબીની ટીમે ત્યાં તપાસ કરી હતી અને સેક્ટર-૧૧માં રીક્ષામાં બેઠેલા પાંચેક શખ્સો ચોરીનાં મોબાઇલ વેચવા માટે ફરી રહ્યા હતા ત્યારે તેમને પકડી પાડયા હતા. જેમાં સેક્ટર-૧૩નાં છાપરાંમાં રહેતો પ્રવિણ ઉર્ફે બબી ઉર્ફે દોરાડો મોહન ધોત્રે, કોબાનો રવિ દલસુખ દંતાણી, સેક્ટર-૨૩ કાચા છાપરાંમાં રહેતો રાહુલ ઉર્ફે મેહુલ ગુગા પટણી, સે-૧૬ ચોપાટી પાસે રહેતો તારાચંદ ઉર્ફે સુંઘણીયો ગોવિંદ બાવરી અને જોરાવરસિંહ જોહરસિંહ બાવરી પોલીસને હાથે લાગ્યા હતા.
જયારે આ પાંચેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીનાં સાતેક મોબાઇલ મળી આવ્યા હતા જેમની તેમણે ચોરી કરી હોવાનું પણ કબુલ્યું હતું. એટલુ જ નહીં, આ આરોપીઓએ ઇન્પોસિટી પાસેથી બ્રિજ નીચેથી લૂંટ કરી હોવાનું તથા સેક્ટર-૭ પાસેથી લૂંટ કરી હોવાનું પણ કબુલ્યું હતું. આરોપીઓ પાસેથી લોખંડની હથોડી, ગ્રીલ કાપવાની આરી, ડીસમીસ, સીએનજી રિક્ષા સહિત ૧.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500