ગાંધીનગરનાં બોરીજ ગામમાં લાઈટનાં અજવાળે ચાલતાં જુગાર ધામ પર LCBની ટીમને મળેલ બાતમીનાં આધારે દરોડો પાડીને જુગાર રમતાં 10 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આમ પોલીસે 11 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીનગર LCB-2નાં પી.આઈ.ની ટીમ સેકટર-21 પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, બોરીજ ગામમાં પાણીની ટાંકી પાસે લાઈટના થાંભલા નીચે જુગાર ધામ શરૂ થઈ ગયું છે. જેનાં પગલે LCBની ટીમ અક્ષરધામ ત્રણ રસ્તાથી ચાલતા ચાલતા ગામમાં પ્રવેશી હતી અને બાતમી વાળી જગ્યાએ દૂરથી જોતાં કેટલાક ઈસમો લાઈટના થાંભલા નીચે ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં હોવાનું માલુમ પડયું હતું.
આથી પોલીસે ચારે તરફથી પાણીની ટાંકી પાસેનો એરિયા કોર્ડન કરી જુગાર ધામ પર દરોડો પાડયો હતો. ત્યારે રાત્રીનાં અંધકારમાં પોલીસ ત્રાટકતા જુગારીઓ ફફડી ઉઠયાં હતા. જેમને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી LCBએ તમામની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ જયેશ મહોતજી ઠાકોર, સોમાજી નારણજી વણઝારા, પોપટજી મણાજી ઠાકોર, સાહીલ દિનેશજી ખાંટ, કરણસિંહ બળવંતસિંહ ઝાલા, આકાશ રજનીકાંત પરમાર, ભાવીક બાબુલાલ પરમાર, વિપુલ ગોવિંદજી ખાંટ સુરેશ આશાજી વણઝારા અને નરસિંહજી કાનાજી ઠાકોર (તમામ રહે.બોરીજ) હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે અંગઝડતી અને દાવ પરથી કુલ રૂપિયા 10,900/-ની રોકડ, જુગાર રમવાનું સાહિત્ય જપ્ત કરી તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી સેકટર-21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500