ગાંધીનગરનાં કલોલ સીટી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા તત્કાલીન હેડ કોન્સ્ટેબલે માસિક હપ્તો નક્કી કરીને વરલી મટકાનો ધંધો શરૂ કરવાનું જણાવતાં, આ બાબતે એ.સી.બી.માં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું પરંતુ શંકા જતા પોલીસ જવાન ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે જવાન વિરુદ્ધ લાંચ માંગ્યાના પુરાવા મળતાં આ મામલે તેની સામે ગુનો દાખલ કરી અટકાયત કરવામાં આવી છે. સરકારી અધિકારી કર્મચારીઓ દ્વારા લાંચ માગવાની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે પોલીસ જવાનો પણ તેમાંથી બાકાત નથી.
કલોલમાં જુગારધામ ચાલુ કરીને હપ્તાની માંગણી કરનાર પોલીસ જવાન સામે એ.સી.બી. દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે વર્ષ-૨૦૨૧માં કલોલ સીટી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ નટવરભાઈ પટેલ કલોલમાં રહેતા વ્યક્તિના ઘરે ગયા હતા અને તમે વરલી મટકાનો જુગારનો ધંધો કરો છો, તેમ કહીને તેમને કલોલ સીટી પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા. જ્યાં તેમનો મોબાઇલ ફોન લઈ લીધો હતો. બાદમાં મોબાઈલ ફોન પરત લેવો હોય તો તમે મને કાગળની ચીઠ્ઠીમાં વરલીના આંકડા લખી આપો તેમ કહેતા ફરિયાદીએ મોબાઇલ પરત લેવા માટે ચિઠ્ઠીમાં આંકડા લખી ચિઠ્ઠી બનાવી આપી હતી .
જે ચિઠ્ઠીના આધારે વિપુલ પટેલે જુગારનો ખોટો કેસ કરી ફરિયાદી પાસેથી મોબાઇલ પરત આપવા માટે રૂપિયા ૨૫,૦૦૦ લઈ જામીન ઉપર છોડયા હતા. થોડા દિવસો બાદ હેડ કોન્સ્ટેબલ વિપુલ પટેલ ફરિયાદી તથા તેમના મિત્રને મળ્યા હતા અને તમે વરલી મટકાનો ધંધો ચાલુ કરો. તમારે મને દર મહિને ૪,૦૦૦ આપવાના. વિપુલ પટેલની આ ડીલ બાબતે વિચારીને ફરિયાદીએ સંમતિ બતાવી હતી પરંતુ તેઓ વિપુલ પટેલને દર મહિને હપ્તો આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને વિપુલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરીયાદના આધારે એ.સી.બી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું પરંતુ વિપુલ પટેલને શંકા જતા તે લાંચના નાણાં લીધા વગર પોતાનું બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. લાંચનું છટકું નિષ્ફળ જતા એ.સી.બી. દ્વારા પુરાવાઓ આધારે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી વિપુલ પટેલને ડીટેઈન કરીને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500