ગાંધીનગરનાં સેક્ટર-21 પોલીસ મથકની નજીક વળાંક પાસે અચાનક કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે હંકારીને ટર્ન મારી એક્સેસને ટક્કર મારી હતી. જેથી આ અકસ્માતમાં સેક્ટર-15 IITમાં Bsc, Bedનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત થતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરના કોબા શુભ પાયોનીયર મકાન નંબર-એ/502માં રહેતા ધનેશ રામાશ્રય રાયે સેક્ટર-21 પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ત્રણ ભાઈઓ પૈકી મોટા ભાઈ ધનંજય રાયનું એક વર્ષ અગાઉ અવસાન થયું હતું. જેમના પરિવારમાં પત્ની સવિતાબેન અને બે દીકરીઓ અવંતી અને અદિતિ હતી. જેઓ ત્રણેય માં-દીકરી સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહે છે.
જ્યારે 20 વર્ષીય અદિતિ ગાંધીનગરના સેક્ટર-15માં આવેલી IITમાં Bsc, Bedનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જોકે શુક્રવારનાં રોજ બપોરના સમયે અદિતિ એક્સેસ મોપેડ બાઈક નંબર GJ/01/RK/7694 લઈને ઘરેથી સેક્ટર-21માં જઈ રહી હતી. તે સમયે ચ-5થી છ-5 સર્કલ વચ્ચે સેક્ટર-21 પોલીસ મથકની નજીક કાર નંબર GJ/01/RK-/7694 નાં ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભેરી રીતે હંકારીને અચાનક ટર્ન માર્યો હતો.
જેના કારણે મોપેડ બાઈકને ટક્કર વાગવાથી અદિતિ રોડ ઉપર પટકાતા માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. બનાવની જાણ થતાં ધનેશભાઈ પણ સિવિલ દોડી ગયા હતા. જ્યાં માલુમ પડ્યું હતું કે, અદિતિને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ લઈ જવાઈ છે જોકે ત્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ધનેશભાઈની ફરિયાદનાં આધારે સેક્ટર-21 પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500