માણસા તાલુકાનાં શીવપુરા બોરૂ ગામની ગુજરાતી પ્રાથમિક શાળાની બાજુમાં છેલ્લાં ઘણાં સમયથી ચાલતા વિદેશી દારૂનાં વેપલાનો ગાંધીનગર એલ.સી.બી.ની ટીમે પર્દાફાશ કરીને ફોર્ડ ફીએસ્ટા કાર અને ભેંસો બાંધવાનાં ગમાણમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જયારે ફરાર બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. સ્ટાફને બાતમી મળી હતી કે, બુટલેગર રામાજી ઉર્ફે નનો પોતાના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં અલગ-અલગ જગ્યાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનુ વેચાણ કરી રહ્યો છે. જે બાતમીનાં આધારે પોલીસ ઘટના સ્થળે મકાન આગળ સફેદ કલરની ગાડીની નજીક બે ઇસમો ઉભા હતા અને પોલીસ ટીમને જોઈને અંધારામાં નાસી ગયા હતા.
ત્યારબાદ એલ.સી.બી. ટીમે કારની તપાસ હાથ ધરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરનો જથ્થો મળી આવેલ અને બુટલેગરનાં ઘરની બાજુમાં આવેલા ભેંસો બાંધવાના ગમાણમાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. જેની ગણતરી કરતાં બિયરની 37 અને વિદેશી દારૂની બોટલ 180 મળી કુલ 217 નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે એલ.સી.બી.એ બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વિદેશી દારૂનો જથ્થો તેમજ ગાડી મળીને કુલ રૂપિયા 2.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500